'શિવરાજ, માંઝી, સોનોવાલ...' 6 પૂર્વ મુખ્યમંત્રીને પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં બનાવાયા મંત્રી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
'શિવરાજ, માંઝી, સોનોવાલ...' 6 પૂર્વ મુખ્યમંત્રીને પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં બનાવાયા મંત્રી 1 - image


Modi Cabinate 3.0 News | પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. રવિવારે સાંજે PM મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા. કેબિનેટમાં કુલ ત્રીસ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મોદી સરકાર 3.0માં સ્વતંત્ર પ્રભારી સાથે પાંચ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 36 સાંસદોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ કેબિનેટમાં છ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સ્થાન મળ્યું છે.

કોને કોને મળ્યું સ્થાન? 

મોદી કેબિનેટમાં સ્થાન મેળવનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), સર્બાનંદ સોનોવાલ (આસામ), એચડી કુમારસ્વામી (કર્ણાટક) અને જીતન રામ માંઝી (બિહાર) નો સમાવેશ કરાયો છે. તેમાંથી પાંચ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી પણ રહ્યા છે, જ્યારે કુમારસ્વામી જનતા દળ-સેક્યુલરનું પ્રતિનિધિત્વ કરે છે અને માંઝી હિન્દુસ્તાની આવામ મોરચાનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 1988માં એમએલસી બન્યા બાદ તેઓ 1991માં યુપીના શિક્ષણ મંત્રી બન્યા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા ક્રાંતિકારી નિર્ણયો લીધા. આ પછી વર્ષ 1994માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા.1999 માં, તેમને પ્રથમ વખત કેન્દ્રીય પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન તેમણે અટલ બિહારી વાજપેયીના ડ્રીમ પ્રોજેક્ટ નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NHDP)ની શરૂઆત કરી. ઓક્ટોબર 2000 માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.

શિવરાજ સિંહ ચૌહાણ

1990માં બુધનીથી પહેલીવાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા શિવરાજ સિંહ ચૌહાણની ગણતરી ભાજપના શક્તિશાળી નેતાઓમાં થાય છે. તેમણે અખિલ ભારતીય કેશરિયા વાહિનીના કન્વીનર તરીકે 90ના દાયકામાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 6 વખત સાંસદ રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણ ચાર વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2000 થી 2003 દરમિયાન ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરીકે પણ સેવા આપી હતી.

મનોહર લાલ ખટ્ટર

મનોહર લાલ ખટ્ટરને રાજકારણી તરીકે ઓછી અને આરએસએસના પ્રચારક તરીકે વધુ ઓળખવામાં આવે છે. તેઓ 1977 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા અને માત્ર ત્રણ વર્ષ પછી સંગઠનના પૂર્ણ-સમયના પ્રચારક બન્યા. 2000-2014 દરમિયાન, ખટ્ટર હરિયાણામાં ભાજપના સંગઠન મહાસચિવ હતા. 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને કરનાલથી ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. પ્રતિસ્પર્ધી ઉમેદવાર (કોંગ્રેસ) દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ તેમને બહારના વ્યક્તિ તરીકે ઓળખાવ્યા હોવા છતાં, તેઓ મોટા માર્જિનથી જીત્યા, જે પછી ખટ્ટરને રાજ્યમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને પાર્ટી દ્વારા તેમને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું. ખટ્ટરે લગભગ 10 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

સર્બાનંદ સોનોવાલ

સર્બાનંદ સોનોવાલ આસામથી આવે છે. આ વખતે તેઓ આસામની ડિબ્રુગઢ બેઠક પરથી 279321 મતોથી જીત્યા. સોનોવાલા, જેઓ કેન્દ્ર સરકારમાં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી અને આયુષ મંત્રી રહી ચૂક્યા છે તે આસામમાંથી રાજ્યસભાના સાંસદ પણ છે. સોનોવાલ અગાઉ 2012 થી 2014 અને ફરીથી 2015 થી 2016 સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) ના આસામ રાજ્ય અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે 2014 થી 2016 સુધી ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે પણ સેવા આપી છે. 2016ની આસામ વિધાનસભા ચૂંટણી પછી તેઓ આસામના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અને આસામના પ્રથમ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બન્યા.

એચડી કુમારસ્વામી

જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના સાંસદ એચડી કુમારસ્વામી, જેઓ એનડીએમાં સહયોગી છે, તેમણે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. આ વખતે તેઓ માંડ્યા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. કુમારસ્વામીએ 284620 મતોથી ચૂંટણી જીતી હતી. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામી 2006 અને 2007 વચ્ચે અને 2018 અને 2019 વચ્ચે બે વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ લોકોમાં કુમારન્ના તરીકે ઓળખાય છે.

જીતનરામ માંઝી

બિહારના હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના વડા અને બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીને પણ મોદી સરકારમાં પહેલીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. 1980માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ગયાની ફતેહપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. આ પછી માંઝીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેઓ સતત રાજકારણમાં સક્રિય છે. તેમની 44 વર્ષની રાજકીય કારકિર્દીમાં જીતન રામ માંઝી જનતા દળ (1990-1996), રાષ્ટ્રીય જનતા દળ (1996-2005) અને JDU (2005-2015) જેવી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે.

'શિવરાજ, માંઝી, સોનોવાલ...' 6 પૂર્વ મુખ્યમંત્રીને પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં બનાવાયા મંત્રી 2 - image


Google NewsGoogle News