ગરમીએ શ્રીનગરમાં પણ રેકોર્ડ તોડ્યો, રાજસ્થાનનું ફલોદી 49 ડિગ્રીએ શેકાયું, હીટ સ્ટ્રોકથી 6નાં મોત

દેશમાં હીટવેવનો આઠમો દિવસ : 23 સ્થળોએ તાપમાન 45ને પાર

કેરળના ત્રણ જિલ્લામાં ભારે વરસાદથી ઓરેન્જ એલર્ટ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ગરમીએ શ્રીનગરમાં પણ રેકોર્ડ તોડ્યો, રાજસ્થાનનું ફલોદી 49 ડિગ્રીએ શેકાયું, હીટ સ્ટ્રોકથી 6નાં મોત 1 - image


Weather News Updates | ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારતમાં હીટવેવનો હાહાકાર યથાવત છે. ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં આકરો તાપ પડયો હતો. આ રાજ્યોના 23 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 49 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ સ્થળ રાજસ્થાનનું ફલોદી હતું. રાજસ્થાનમાં હીટવેવ અને લૂથી છનાં મોત થયા હતા. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 28 મે સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા નથી.

રાજસ્થાનના ફલોદી ઉપરાંત બાડમેર અને જેસલમેરમાં 48.3 તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં ૪૫.૮, મધ્યપ્રદેશના રતલામ અને રાજગઢમાં ૪૬, હરિયાણાના સિરસામાં 44.8, પંજાબના ભટિન્ડામાં 45.5 ડિગ્રી સહિત દેશના 23 શહેરોમાં તામપાનનો પારો 45 ડિગ્રી કે તેનાથી વધારે રહ્યો હતો.

કાશ્મીર પણ હીટવેવની ઝપટે ચડયું છે. કાશ્મીર ઘાટીમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો અને તાપમાન 29 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. શ્રીનગરમાં મે માસ સૌથી ગરમ રહ્યો હતો. દાયકાઓનો રેકોર્ડ તૂટયો હતો. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાતા જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં રાતે પણ ગરમીનો અનુભવ થશે. હજુ ચાર-પાંચ દિવસ સુધી આ વેધર કન્ડિશનમાં રાહત મળે એવી શક્યતા નથી. અસહ્ય ગરમીના કારણે જળાશયોમાં સતત પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નેશનલ વોટર કમિશનના કહેવા પ્રમાણે પાણીનો જથ્થો સતત ઘટતો હોવાથી તંગીનું જોખમ છે. વીજળીની માગમાં વધારો થતાં કેટલાય સ્થળોએ વીજળીનો પૂરવઠો ખોરવાયો હતો.

બીજી તરફ કેરળમાં ભારે વરસાદ પડયો છે. વધુ ત્રણ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે. કોચી અને થ્રિશૂરમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું હતું. રાજ્યમાં ઘણાં સ્થળોએ ત્રણથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો.


Google NewsGoogle News