બિહારમાં એક જ દિવસમાં 3 બ્રિજ ધરાશાયી, 15 દિવસમાં સાતમી ઘટના, અનેક ગામ સંપર્કવિહોણા

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Siwan bridge collapse Bihar
Image: IANS

Bihar Bridge Collapse: બિહારની સ્થાનિક બોલીમાં એક કહેવત વારંવાર બોલાય છે, ‘ગઈ ભેંસિયા પાની મેં.’ આજકાલ આ વાક્યપ્રયોગ જાણે બિહારમાં ફરી એકવાર લોકજીભે ચઢી ગયો છે. બિહારમાં નદીઓ પર બનાવેલા નાના-મોટા પુલ ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ છે. આજે સીવાનના મહારાજગંજમાં એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી થઈ ગયા, જેમાં ગંડક નદી પરના બે પુલ અને ધમહી નદી પરનો એક પુલ સામેલ છે. આ ઘટનાઓને પગલે ચોમાસામાં જ અહીંના અનેક ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે. જો કે મહારાજગંજના આ પુલ નબળા પડી ગયો હોવાથી સ્થાનિક તંત્રે ત્યાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.  

દૃુર્ઘટના કેમ સર્જાઈ? 

બિહારના સીવાન જિલ્લામાં એક જ દિવસમાં 3 પુલ તૂટવાના અહેવાલ સામે આવ્યા છે. પુલ તૂટવાની આ ઘટના મહારાજગંજ વિસ્તારમાં બની હતી. એક દિવસમાં 3 પુલ તૂટવાને લીધે અનેક ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે. માહિતી અનુસાર ગંડક નદી પર 2 પુલ અને ધમહી નદી પર બનેલો એક પુલ તૂટી પડ્યો હતો. તંત્રનું કહેવું છે કે પુલ નીચેથી માટીના વધારે પડતાં ધોવાણને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. દેવરિયા પંચાયતના પડાઈન ટોલા અને સિકંદરપુરા નૌતન નજીક ગંડકી નદી પર બનેલો પુલ તૂટ્યો હતો. જ્યારે ટેઘડા પંચાયત અને તેવથા પંચાયત વચ્ચે ધમહી નદી પર પુલ તૂટવાની ઘટના સામે આવી હતી. 

35 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો

માહિતી અનુસાર દેવરિયા ગામ પાસે ગંડકી નદી પર બનેલા બે પુલ ધરાશાયી થઈ જતા અનેક ગામ સંપર્કવિહોણા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હજુ 10 દિવસ પહેલા જ એક પુલ ધરાશાયી થઈ ગયો હતો, ત્યારે આજે ફરી એકવાર 35 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો છે. સ્થાનિકોના કહેવા મુજબ કે પુલ બાદ એક પણ વખત તેનું સમારકામ કરાયું ન હતું, જેથી પુલ ધરાશાયી થયો હતો. 

સ્થાનિકોએ ફરિયાદ કરી છતાં ધ્યાન ન અપાયું 

સ્થાનિકોએ દાવો કર્યો હતો કે અગાઉનો પુલ તૂટી પડવાની ઘટના પણ માટીના વધુ પડતા ધોવાણને કારણે થઈ હતી. આ પુલ પણ માટીના ધોવાણને કારણે ધરાશાયી થયો છે. કેટલાક લોકોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેને હળવાશથી લેવામાં આવી હતી. દેવરિયા પંચાયતના વડા અને સ્થાનિક સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ પુલ 1998માં તત્કાલિન સાંસદ પ્રભુનાથ સિંહ દ્વારા રૂપિયા 6 લાખના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજો (ધામી નદી પરનો) પુલ 2004માં રૂપિયા 10 લાખના ખર્ચે બનાવડાવ્યો હતો.

અગાઉ ગંડક કેનાલ પરનો પુલ ધરાશાયી થયો હતો

નોંધનયી છે કે અગાઉ સીવાનમાં ગંડક કેનાલ પર બનેલો પુલ જૂનની 22મીએ અચાનક તૂટી પડ્યો હતો. પહેલા પુલનો એક પિલર પડી ગયો અને થોડીવારમાં આકો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટના રામગઢા પંચાયતની હતી. પાટેડા અને ગરાઉલી ગામ વચ્ચે ગંડક કેનાલ પર બનેલો પુલ પણ ઘણો જૂનો હતો.


Google NewsGoogle News