Get The App

સીતારમણે તમિલનાડુમાં રૂપિયાના ચિહ્નને બદલવા અંગે સવાલ ઉઠાવ્યા, '₹'ની ડિઝાઇન બનાવનારા પ્રોફેસરે જુઓ શું કહ્યું

Updated: Mar 14th, 2025

GS TEAM


Google News
Google News
Changing the Symbol of Rupee in Tamilnadu


Changing the Symbol of Rupee in Tamilnadu: તમિલનાડુ સરકાર દ્વારા 2025-26ના બજેટમાંથી રૂપિયાના ચિહ્ન '₹'ને તમિલ અક્ષર 'ரூ'થી બદલવામાં આવ્યો હતો. હવે આ મામલે રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. ભાજપ તેને રાષ્ટ્રીય પ્રતીકનો અનાદર ગણાવી રહી છે, જ્યારે ડીએમકે સરકાર આ ફેરફારને તમિલ ભાષાના સન્માન તરીકે રજૂ કરી રહી છે. એવામાં આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામણની પ્રતિક્રિયા સામે આવી છે. 

'ખતરનાક માનસિકતાની નિશાની'

નાણામંત્રી નિર્મલા સીતારમણે 13 માર્ચે આ મામલે કહ્યું કે, 'તમિલનાડુ સરકારનું રૂપિયાના ચિહ્નને હટાવવાનું પગલું એ ખતરનાક માનસિકતાની નિશાની છે, જે દેશની એકતાને નબળી પાડે છે. રૂપિયાના ચિહ્નને ભૂંસી નાખવાથી, ડીએમકે માત્ર એક રાષ્ટ્રીય ચિહ્નને નકારી નથી રહ્યું પરંતુ એક તમિલ યુવકના રચનાત્મક યોગદાનની પણ અવગણના કરી રહ્યું છે.'

આ મામલે નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, 'રૂપિયાનું ચિહ્ન આંતરરાષ્ટ્રીય સ્તરે સારી રીતે ઓળખાય છે અને વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ભારતની ઓળખ તરીકે સેવા આપે છે. એવામાં ભારત UPI નો ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે શું આપણે ખરેખર આપણા પોતાના રાષ્ટ્રીય ચલણ ચિહ્નને અવગણવું જોઈએ?'

ડીએમકે પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય બનાવી હતી '₹'ની ડિઝાઇન

આ મામલે સૌથી રસપ્રદ વાત એ છે કે રૂપિયાના ચિહ્ન '₹'ને ડિઝાઇન કરનાર ડી. ઉદય કુમાર પોતે તમિલનાડુના છે અને ડીએમકે પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. તેમના પિતા તમિલનાડુમાં ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. હવે જ્યારે ઉદય કુમારને સ્ટાલિન સરકારના આ નિર્ણય પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો તો તેમણે પોતાને આ વિવાદથી સંપૂર્ણપણે દૂર રાખ્યા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.

'તે રાજ્ય સરકાર પર નિર્ભર છે'

ઉદય કુમારે આ મામલે મીડિયાને કહ્યું કે, 'સરકારને લાગ્યું કે બદલાવની જરૂર છે અને જો સરકાર તેને પોતાના ચિહ્નથી બદલવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. તે રાજ્ય સરકાર પર નિર્ભર છે. આ અંગે મારે કંઈ કહેવું નથી. તે માત્ર એક સંયોગ હતો કે તમિલનાડુ અને ડીએમકે સાથે સંકળાયેલા કોઈએ આ ડિઝાઇન બનાવી હતી.'

વર્ષ 2010માં અપનાવવામાં આવ્યું હતું ચિહ્ન

સમગ્ર ભારતમાં '₹' ચિહ્ન અપનાવવામાં આવ્યું છે, જે 2010માં સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું હતું. આ ચિહ્ન ભારતીય ત્રિરંગા પર આધારિત હોવાથી તેને રાષ્ટ્રીય માન્યતા મળી છે. પરંતુ હવે તમિલનાડુ સરકારે તેને બદલીને 'ரூ' કરી દીધું છે, જેને તમિલ ભાષામાં રૂપિયાનું પ્રતીક માનવામાં આવે છે.

સીતારમણે તમિલનાડુમાં રૂપિયાના ચિહ્નને બદલવા અંગે સવાલ ઉઠાવ્યા, '₹'ની ડિઝાઇન બનાવનારા પ્રોફેસરે જુઓ શું કહ્યું 2 - image
Tags :