'ભોલે બાબા'ની તલાશમાં આશ્રમ પહોંચી SIT, મુખ્ય આરોપી મધુકરને ઝડપી પાડવા રાજસ્થાન અને હરિયાણામાં દરોડા
Hathras Stampede: ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં અનેક પરિવારો ઉજડી ગયા છે. મંગળવારે સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં 121 લોકોના મોત થઈ જતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. હવે આ મામલે એજન્સીએ મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરને પકડવા માટે પાડોસી રાજ્યો રાજસ્થાન અને હરિયાણામાં દરોડા શરૂ કરી દીધા છે. આ સાથે જ સરકારના આદેશ પર રચાયેલી SIT બાબાના મૈનપુરી આશ્રમ પહોંચી ગઈ છે. અહીં ઉભેલી બે લક્ઝરી ગાડીઓ પોલીસ પોતાની સાથે લઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તમામ એજન્સીઓ પૂછપરછ માટે 'ભોલે બાબા'ની પણ તલાશ કરી રહી છે. હાથરસ જિલ્લાના ફુલરઈ ગામમાં 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગ દરમિયાન મચેલી નાસભાગમાં કુલ 121 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. આ મામલે દાખલ કરવામાં આવેલી FIRમાં ઓળખ કરાયેલ આરોપી તરીકે માત્ર મુખ્ય સેવાદાર મધુકરનું નામ છે અને સૂરજપાલનું નામ નોંધવામાં નથી આવ્યું.
એજન્સીઓ પૂછપરછ માટે ભોલે બાબાની કરી રહી તલાશ
આ FIR હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જેમાં મધુકર ઉપરાંત અનેક અજાણ્યા આયોજકોને પણ આરોપી બનાવામાં આવ્યા છે અને આ મામલે અત્યાર સુધીમાં 6 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અધિકારીએ જણાવ્યું કે, કોઈને પણ ક્લીનચિટ આપવામાં નથી આવી. તપાસ ચાલુ જ છે અને સરકારી એજન્સીઓ ફરાર મુખ્ય આરોપીની તલાશ કરી રહી છે. એજન્સીઓ પૂછપરછ માટે ભોલે બાબાની પણ તલાશ કરી રહી છે.
અધિકારીએ એમ પણ કહ્યું કે સર્ચ ઓપરેશન હેઠળ ટીમ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજ્યના પૂર્વી જિલ્લાઓના કેટલાક ભાગોની તપાસ કરી ચૂકી છે. ટીમ રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ તલાશ કરી રહી છે. આ વચ્ચે નાસભાગની ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ટાસ્ક ટીમ (SIT)નો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપી દેવામાં આવ્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (આગરા ઝોન) અનુપમ કુલશ્રેષ્ઠે સરકારને આ રિપોર્ટ સોંપ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, ગોપનીય રિપોર્ટમાં હાથરસના જિલ્લા અધિકારી આશીષ કુમાર, પોલીસ અધિકારી નિપુણ અગ્રવાલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓના નિવેદન સામેલ છે જેમણે નાસભાગના કારણે ઉત્પન્ન થયેલી ઈમરજન્સી સ્થિતિને જોઈ હતી.
પોલીસે આ મામલે IPCની વિભિન્ન કલમ હેઠળ નોંધ્યો કેસ
પોલીસે આ મામલે IPCની કલમ 105, 110, 126, 223, 238 હેઠળ કેસ નોંધ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે બુધવારે હાથરસ દુર્ઘટનાની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના ન્યાયિક આયોગની રચના કરી હતી. આયોગ એ પાસાથી પણ તપાસ કરશે આ ઘટના કોઈ 'ષડયંત્ર' તો નહોતું?