પક્ષના જ નેતાને HIVનો ચેપ લગાડવાનું કાવતરું, ભાજપના ધારાસભ્યએ PI સાથે મળી બનાવ્યો પ્લાન
Karnataka News: કર્ણાટકની રાજનીતિમાં એચઆઈવી સંક્રમિત લોહી દ્વારા સંક્રમણ ફેલાવવાના મામલાએ વેગ પકડ્યો છે. હવે આ મામલે SIT (Special Investigation Team) એક્શનમાં આવી છે અને એક પોલીસ ઈન્સ્પેક્ટર ઇયાન રેડ્ડીની ધરપકડ કરી છે. આ પોલીસ અધિકારી વર્તમાનમાં હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતાં. એસઆઈટીની ટીમ તેની પૂછપરછ કરશે અને સંક્રમિત લોહી વિશે માહિતી એકઠી કરશે.
પોલીસ ઈન્સ્પેક્ટર ઇયાન રેડ્ડી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે ભાજપના જ ધારાસભ્ય મુનિરત્ના નાયડૂ સાથે મળીને એક મોટું કાવતરૂ ઘડ્યું હતું. જેમાં વિધાનસભામાં પોતાની જ પાર્ટીના નેતા વિપક્ષ આર. અશોકને એચઆઈવી સંક્રમિત લોહીથી ચેપગ્રસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઇયાન રેડ્ડી લગભગ એક વર્ષથી હેબ્બાગોડીમાં તૈનાત હતાં. આ પહેલાં તે પીન્યા, રાજગોપાલનગર અને યશવંતપુરના પોલીસ સ્ટેશનમાં હતાં. આ વિસ્તાર મુનિરત્નાના આરઆર નગર વિધાનસભા વિસ્તારમાં આવે છે.
સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, લાંબા સમય સુધી એક જ વિસ્તારમાં કામ કરવાના કારણે પોલીસ ઈન્સ્પેક્ટર ઇયાન રેડ્ડીના ધારાસભ્ય સાથેના સંબંધ મજબૂત થઈ ગયા હતાં. મુનિરત્નાના નજીકના સહયોગી સાથે પૂછપરછ દરમિયાન SIT સામે ઇયાન રેડ્ડીનું નામ સામે આવ્યું હતું.
આ રીતે ઘડ્યું કાવતરૂ
ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડૂ અવાર-નવાર વિવાદોમાં રહે છે. તેમની સામે બળાત્કારનો પણ એક મામલો સામે આવ્યો હતો, જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, ધારાસભ્ય પોતાના વિરોધીઓને હની ટ્રેપમાં ફસાવવા માટે એચઆઈવી સંક્રમિત મહિલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ એચઆઈવી સંક્રમિત લોહીથી નેતા વિપક્ષે અશોકને સંક્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે શરૂઆતમાં મુનિરત્નાની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન આપી દેવાઈ હતી.
આ સંબંધિત પૂર્વ કાઉન્સિલર વેલુ નાયકરે નિવેદન આપ્યું છે કે, તેની હાજરીમાં પોલીસ ઈન્સપેક્ટર ઇયાન રેડ્ડી અને મુનિરત્નાએ એક યુવકને ફસાવી તેને આર. અશોકને એચઆઈવી સંક્રમિત ઈન્જેક્શન લગાવવા માટે મનાવવાના પ્રયાસ કર્યા હતાં. નાયકર પહેલાં મુનિરત્નાનો સહયોગી રહી ચુક્યો છે. જોકે, હવે તે અલગ થઈ ચુક્યા છે.
કોણ છે આર. અશોક
આર. અશોક સાત વખત ભાજપ ધારાસભ્ય રહી ચુક્યા છે અને 2012 થી 2013 સુધી નાયબ મુખ્યમંત્રી રહ્યાં છે. તે અત્યાર સુધી પાંચ મુખ્યમંત્રી સાથે કેબિનેટ સભ્યના રૂપે કામ કરી ચુક્યા છે અને ગૃહ, મહેસૂલ, નગરપાલિકા પ્રશાસન, પરિવહન, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્યા છે. ભાજપે નવેમ્બર 2023માં આર.અશોકને નેતા વિપક્ષ તરીકે પસંદ કર્યા હતાં.
મુનિરત્ના પર બળાત્કારના મામલે FIR
રામનગર જિલ્લાના કગ્ગલિયાપુરા પોલીસ સ્ટેશનમાં ભાજપ ધારાસભ્ય મુનિરત્ના સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે આઈપીસીની કલમ 354(એ0, 354(સી), 376, 506, 504, 120(બી), 149, 384, 406 અને 308 હેઠળ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટના કથિત રીતે કગ્ગલિયાપુરા પોલીસ સ્ટેશનના અધિકાર વિસ્તારના એક પ્રાઇવેટ રિસોર્ટમાં બની હતી. મુનિરત્ના અને 6 અન્ય આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં મુનિરત્ના નાયડૂ, વિજય કુમાર, કિરણ કુમાર, લોહિત ગૌડા, મંજૂનાથ અને લોકી જેવા આરોપીઓના નામ સામેલ છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જોરદાર ઝટકો, 3 વખતના ધારાસભ્ય પંજાનો સાથ છોડી AAPમાં જોડાયા
પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, મુનિરત્નાએ મને પોતાની જાળમાં ફસાવી અને ઘણીવાર બળાત્કાર કર્યો. મહિલાએ દાવો કર્યો હતો કે, મુનિરત્ના નાયડૂએ એક અન્ય વ્યક્તિને એક પૂર્વ કાઉન્સિલરના પતિને હની-ટ્રેપમાં ફસાવવા માટે ઉપયોગ કર્યો હતો.
આ પહેલાં મુનિરત્ના જાતિવાદી ગાળ આપવાના આરોપમાં ન્યાયિક કસ્ટડીમાં રહ્યા છે. મુનિરત્નાની એક કોન્ટ્રાક્ટરને ધમકાવવા અને તેની સામે જાતિવાચક ગાળી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.