ભાઇ રાહુલની જીતનો રેકોર્ડ તોડી બહેન પ્રિયંકાની સંસદમાં એન્ટ્રી
- પ્રથમ વખત ચૂંટણી લડી અને જીત મેળવી
- વાયનાડમાં પ્રિયંકાએ 4.10 લાખ મતોની લીડ પ્રાપ્ત કરી ભાજપના ઉમેદવારને ત્રીજા ક્રમે ધકેલ્યા
વાયનાડ : પ્રિયંકા ગાંધીએ આખરે લોકસભામાં પ્રવેશ કરી લીધો છે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પર પેટા ચૂંટણીમાં પ્રિયંકાએ ૪.૧૦ લાખ મતોથી જીત મેળવીને ભાઇ રાહુલ ગાંધીની જીતનો રેકોર્ડ પણ તોડયો છે. રાહુલે આ જ બેઠક પર ગત લોકસભા ચૂંટણીમાં ૩.૬૪ લાખ મતોની લીડથી જીત મેળવી હતી. આ સાથે જ પ્રિયંકાએ ચૂંટણીના રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ કોઇ જ ચૂંટણી નહોતા લડયા.
રાહુલ રાયબરેલી અને વાયનાડ બન્ને બેઠક જીત્યા બાદ વાયનાડ બેઠક ખાલી કરી આપી હતી. જે બાદ પ્રિયંકાને આ બેઠક પર ઉતારવામાં આવ્યા હતા, તેમની સામે ભાજપે નાવ્યા હરીદાસ અને સીપીઆઇએ સથ્યાન મોકેરીને ટિકિટ આપી હતી. પ્રિયંકાને ૬.૨૨ લાખ મત મળ્યા હતા, ડાબેરી સખ્યાન ૨.૧૧ લાખ મતો સાથે બીજા ક્રમે જ્યારે ભાજપના નાવ્યા ૧ લાખ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
સંસદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બાદ હવે ગાંધી પરિવારના ત્રીજા સાંસદ તરીકે ૫૨ વર્ષીય પ્રિયંકાએ પણ એન્ટ્રી મારી છે. ચાર દસકા પહેલા પ્રિયંકા પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને સાંભળવા માટે સંસદમાં જતા હતા, હવે તેઓ ખૂદ સાંસદ તરીકે ભાષણ આપશે. ૧૯૯૯માં પ્રિયંકાએ પત્રકારને કહ્યું હતું કે રાજકારણમાં પ્રવેશવામાં મને બહુ જ વધુ સમય લાગશે. જીત બાદ પ્રિયંકા ગાંધીએ વાયનાડની જનતા માટે એક ભાવુક પોસ્ટ કરી હતી, તેમણે કહ્યું હતું કે વાયનાડના પ્રિયા ભાઇઓ અને બહેનો મારા પ્રત્યેનો તમારો આ પ્રેમ જોઇને હું ગદગદ છું, તમે ભવિષ્યમાં જોઇ શકશો કે આ મારી નહીં પરંતુ તમારી જીત છે. સંસદમાં તમારો અવાજ બનવા માટે હું આતુર છું.