'સિસોદિયાનું નવું નામ MONEY SHH', કેજરીવાલને ગણાવ્યા કૌભાંડના મુખ્ય સૂત્રધાર
- કેબિનેટ વગર જ શરાબ માફિયાઓના 144 કરોડ શા માટે માફ કરાયાઃ અનુરાગ ઠાકુરનો સવાલ
નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2022, શનિવાર
સીબીઆઈના દરોડા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમના પર પલટવાર કર્યો છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, શરાબ નીતિ અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે મનીષ સિસોદિયાને ભલે આરોપી બનાવાયા હોય પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે.
આ પણ વાંચોઃ દરોડા બાદ સિસોદિયાના PM મોદી પર પ્રહારો, ગંગા કિનારે સળગતી લાશોનો કર્યો ઉલ્લેખ
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, 'અમે અરવિંદ કેજરીવાલને પડકાર આપીએ છીએ કે તેઓ 24 કલાકની અંદર મીડિયા સામે આવે અને આ મામલે જવાબ આપે. મનીષ હવે પોતાનું નામ બદલશે. તેમનું નામ મનીષના બદલે હવે મની શ (MONEY SHH) હશે.' પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીની સાથે મનોજ તિવારી અને આદેશ ગુપ્તા પણ હાજર હતા.
સિસોદિયાએ મીડિયા સામે કૌભાંડનો સ્વીકાર કર્યો
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, શરાબ કૌભાંડમાં સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાના હાવભાવ, ચહેરાનો રંગ બધું જ ઉડી ગયું હતું. તેઓ પત્રકારોના સવાલોના જવાબ નહોતા આપી શકતા. તેમણે પોતે કહ્યું હતું કે, શરાબ કૌભાંડની ચિંતા ન કરો. મતલબ કે તેમણે પીસી દરમિયાન કૌભાંડ થયું છે એ સ્વીકાર્યું.
આ સાથે જ કેજરીવાલને એવો સવાલ કર્યો હતો કે, જો તમારી શરાબ નીતિ બરાબર જ હતી તો એને પાછી કેમ લીધી. શરાબ નીતિમાં ભ્રષ્ટાચાર દેખાયો એટલે કેજરીવાલે તે નીતિ પાછી ખેંચી લીધી.
શા માટે બ્લેક લિસ્ટેડ કંપનીઓને દારૂ વેચવાનો પરવાનો મળ્યો?
અનુરાગ ઠાકુરે દિલ્હીના મુખ્યમંત્રીને ઉદ્દેશીને સવાલ કર્યો હતો કે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓને દારૂ વેચવા માટેની મંજૂરી શા માટે અપાઈ. 25મી ઓક્ટોબરના રોજ જ્યારે આબકારી વિભાગે બ્લેક લિસ્ટેડ કંપનીઓ સામે સવાલ કર્યા તો પણ તેમને દારૂના વેચાણની મંજૂરી શા માટે આપી. કેબિનેટ વગર જ શરાબ માફિયાઓના 144 કરોડ શા માટે માફ કરાયા? સરકાર શરાબ માફિયાઓ માટે આટલી રહેમદિલ શા માટે છે? મનીષ સિસોદિયા સવાલોથી આટલા દૂર શા માટે ભાગી રહ્યા છે?