‘અમારા કાર્યકરોને હેરાન કર્યા તો હેરાન કરી મૂકીશ’, ભાજપના CMની અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી
CM Nayab Singh Saini Warned The Officers: હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ સીડીએલયુના મલ્ટીપર્પસ 13 વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ તથા ઉદ્ધાટન કર્યું છે. મુખ્યમંત્રીએ કાર્યકરો સમક્ષ મંચ પર જ અધિકારીઓને ચેતવણી આપી દીધી કે, અમારા નેતા કહે છે કે, આ ભાજપની ઘંટી છે, જે અત્યંત બારીક દળે છે. પરંતુ ધીમે-ધીમે દળે છે. હું અધિકારીઓને જણાવી દઉ કે, મારી વાળી ઘંટી ઝડપથી દળશે અને બારીક દળશે.
કાર્યકરોને આપ્યો નિર્દેશ
મુખ્યમંત્રીએ પક્ષના કાર્યકરોને ઓક્ટોબર-24માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે, જેમાં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, અમારા કાર્યકરો ખોટુ કામ કરતા નથી. તે લોકો માટે કામ કરે છે. અને આપણી ફરજ છે કે, આપણે લોકોના કામ પૂરા કરીએ. જો કોઈએ ધક્કો ખવડાવ્યો તો હું તમને ધક્કા ખવડાવવામાં એક્સપર્ટ છું. મારો એજન્ડા સ્પષ્ટ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો કોઈ કાર્યકર ચંદીગઢ આવીને મને કહે કે કોઈ અધિકારીએ અમને હેરાન કર્યા છે તો હું તે અધિકારીને મુશ્કેલીમાં મુકીશ. અમે ઈચ્છીએ છીએ કે લોકોનુ કામ થાય.
કોંગ્રેસે બંધારણનું અપમાન કર્યું
મુખ્યમંત્રીએ કહ્યું કે, 2014 પહેલા દેશ અને હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી. એક સિલિન્ડર લેવા લોકોને ગરમીમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવુ પડતુ હતું. આજે કોંગ્રેસ જે પવિત્ર બંધારણનું પુસ્તક લઈ ફરી રહ્યું છે, તેનું સૌથી વધુ અપમાન કોંગ્રેસની પેઢીઓએ જ કર્યું છે. કોંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણ અને અનામતને હટાવવા માગે છે. પરંતુ હું જણાવવા માગીશ કે, ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર સદનના સભ્ય હતા, ત્યારે કોંગ્રેસે બંધારણનું અપમાન કર્યુ હતું.
આંબેડકર સાહેબે વિરોધ કર્યો હતો
પંડિત જવાહર લાલ નેહરૂએ સૌથી પહેલાં કલમ 370ને બંધારણ સાથે જોડી દીધી હતી. ડો. ભીમરાવ આંબેડકરે તેનો વિરોધ કર્યો હતો. બીજુ કામ કોંગ્રેસે કટોકટી લાગૂ કરી લોકોને જેલમાં નાખી દીધા હતા. કલમ 39 બંધારણમાં સામેલ કરી. બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરવાનું કામ કોંગ્રેસના લોકો કરતાં આવ્યા છે. કોંગ્રેસ સરકાર દરમિયાન કેબિનેટે એક બિલ પાસ કર્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સાંસદ હતા અને તેમણે લોકશાહીના મંદિરમાં તે બિલ ફાડી નાખ્યું હતું. હવે આ લોકો બંધારણની વાત કરે છે.
પૂર્વ સીએમ રોજ શપથ લેવાના સપના જુએ છે
નાયબ સિંહ સૈનીએ કહ્યું કે દેશમાં અત્યારે ઘમંડી ગઠબંધન ચાલી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા દરરોજ સીએમ તરીકે શપથ લેવાનું સપનું જુએ છે. પૂર્વ સીએમના કાર્યકાળ દરમિયાન લોકો નોકરી મેળવવા માટે પૈસા ભરેલી સૂટકેસ લાવતા હતા. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે અમારી સરકારે મેરિટના આધારે નોકરીઓ આપી છે. રાજ્યમાં ભાડાપટ્ટે ખેતી કરતાં ખેડૂતો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમે અધિકારીઓને તેમાં સુધારો કરવા નિર્દેશ કર્યો છે.