દેશનું આ રાજ્ય સંપૂર્ણપણે 'વિપક્ષ મુક્ત', તમામ ધારાસભ્યો NDA ગઠબંધનમાં જોડાઈ ગયા

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Sikkim


Sikkim Political News : સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના (SDF)  એકમાત્ર ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથા શાસક પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચામાં (SKM) જોડાઈ ગયાં છે. સત્તા પક્ષમાં લામથાના જોડાવવાથી સિક્કિમમાં હવે વિપક્ષના કોઈ ધારાસભ્ય રહ્યાં નથી. સિક્કિમની વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા અને ભારતીય જનતા પાર્ટીએ બંને અલગ રહીને ચૂંટણી લડ્યાં હતા. જ્યારે કેન્દ્રમાં SKM પાર્ટી ભાજપના નેતૃત્વ વાળા NDA માં જોડાયેલી હોવાથી હવે સિક્કિમમાં એક પણ વિપક્ષના નેતા રહ્યાં નથી.

CM એ ફેસબુક પોસ્ટ દ્વારા જાણકારી આપી

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે, 'આજે મને મારા સરકારી આવાસ ખાતે 23-સ્યારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથાને મળી ખૂબ જ આનંદ થયો છે. તેઓ સત્તાવાર રીતે આપણાં SKM પરિવારમાં જોડાઈ ગયાં છે,' મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લામથાએ પોતાના મતવિસ્તારને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે એક વ્યાપક વિકાસની યોજનાના ભાગરૂપે તેમના મતવિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે.

લામથાએ શિક્ષણ મંત્રીને હરાવ્યાં

તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના એકમાત્ર નેતા લામથાની જીત થઈ હતી. જેમાં તેમણે SKM ના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચાને 1314 મતોના અંતરથી હાર આપી હતી. તેવામાં જ્યારે હવે લામથાના SKM માં જોડાવવા સામે લેપચાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. 2 જૂનના રોજ જાહેર કરાયેલાં ચૂંટણી પરિણામ સમયથી લામથાની SKM માં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. તેવામાં ભવિષ્યની યોજના અંગે તેમને પ્રશ્ન પૂછવામાં આવતાં જણાવ્યું હતું કે, 'હું જનતાને પૂછીને આગળ પગલું ભરીશ'

વિધાનસભામાં હાલ બે બેઠકો ખાલી

સિક્કિમની વિધાનસભા ચૂંટણીમાં SKM ની 31 બેઠકો પર જીત થઈ હતી, જ્યારે વિપક્ષમાં SDF ને માત્ર 1 બેઠક મળી હતી. હાલ વિધાનસભાની 32 બેઠકોમાંથી 30 સભ્યો તો માત્ર SKM પાર્ટીના છે. તેવામાં સોરેંગ-ચાકુંગ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી તમાંગ અને નામચી-સિંધીધાંગ બેઠક પરથી તેમના પત્ની કૃષ્ણા કુમારી રાયે રાજીનામુ આપ્યું હોવાથી બે બેઠક ખાલી પડી છે. જેમાં સોરેંગ-ચાકુંગ અને રેનૉક વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યાં બાદ મુખ્યમંત્રી તમાંગે રેનૉક વિધાનસભા બેઠક પોતાની પાસે રાખી હતી. આમ જોવા જઈએ તો હાલ સિક્કિમ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બન્યું છે.


Google NewsGoogle News