Get The App

ભારતના દિગ્ગજ ફૂટબોલરને ચૂંટણી મેદાનમાં જનતાએ બતાવ્યું 'રેડ કાર્ડ', 10 વર્ષમાં છઠ્ઠી વખત પરાજય

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ભારતના દિગ્ગજ ફૂટબોલરને ચૂંટણી મેદાનમાં જનતાએ બતાવ્યું 'રેડ કાર્ડ', 10 વર્ષમાં છઠ્ઠી વખત પરાજય 1 - image

Sikkim Assembly Elections 2024 Result : ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ સુકાની બાઈચુંગ ભુટિયાની ફરી એકવાર ચૂંટણીમાં હાર થઈ છે. સિક્કમી વિધાનસભા ચૂંટણીમાં આજે જાહેર થઈ રહેલા પરિણામ મુજબ ભુટિયા સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (Sikkim Krantikari Morcha)ના રિક્શલ દોરજી ભૂટિયા (Riksal Dorjee Bhutia) સામે 4346 મતોના માર્જિનથી બારફૂંગ બેઠક પર હારી ગયા છે.

સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 32માંથી 31 બેઠકો જીતી

ચૂંટણીના વલણો મુજબ ભૂટિયાની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ પાર્ટીને માત્ર એક બેઠક પર જીત મેળવી છે અને વર્તમાન સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 32માંથી 31 બેઠકો પર કબજો જમાવ્યો છે. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 19 એપ્રિલ 2024ના રોજ એક જ તબક્કામાં યોજાઈ હતી. જો કે હાલ માત્ર વલણો સામે આવ્યા છે, પરંતુ હજુ સુધી પરિણામો સત્તાવાર રીતે જાહેર કરાયા નથી.

ભુટિયાએ 2018માં હમરો સિક્કિમ પાર્ટીની સ્થાપના કરી હતી

ભારતના ફૂટબોલ હીરો બાઈચુંગ ભૂટિયાએ 2018માં પોતાની હમરો સિક્કિમ પાર્ટી (Hamro Sikkim Party)ની રચના કરી હતી, પરંતુ આ પાર્ટીનો ગત વર્ષે SDFમાં વિલય થઈ ગયો હતો. હાલમાં તેઓ એસડીએફના ઉપાધ્યક્ષ છે. એસડીએફ સિક્કિમમાં મુખ્ય વિરોધ પક્ષ છે.

ભુટિયા TMCમાંથી બે વખત ચૂંટણી લડ્યા અને હાર્યા

ભુટિયાએ અગાઉ પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે બે વાર ચૂંટણી લડી હતી. તેમણે દાર્જિલિંગથી 2014ની લોકસભાની ચૂંટણી અને સિલીગુડીથી 2016ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે આ બંને ચૂંટણીમાં તેમની હાર થઈ હતી, ત્યારબાદ તેઓ સિક્કિમ પરત ફર્યા અને પોતાની પાર્ટી બનાવી હતી. તેમણે ગંગટોક અને તુમેન-લિંગીથી 2019ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ બંનેમાં તેમની હાર થઈ હતી. એટલું જ નહીં, તેઓ ગંગટોકથી 2019ની પેટાચૂંટણી પણ હારી ગયા હતા.

બાઈચુંગ ભુટિયા છ વખત ચૂંટણીમાં હાર્યા

  • 2014માં દાર્જિલિંગથી લોકસભા
  • 2016માં સિલીગુડીમાં વિધાનસભા
  • 2019માં ગંગટોકથી વિધાનસભા
  • 2019માં તુમેન-લિંગીથી વિધાનસભા
  • 2019માં ગંગટોકથી પેટાચૂંટણી
  • 2024માં બારફૂંગથી વિધાનસભા ચૂંટણી

Google NewsGoogle News