શિખ્સ ફોર જસ્ટિસના વડા ગુરૂપતવંત સિંઘ પન્નુએ ડીસે. 13મીએ સંસદ ભુવન ઉપર હુમલો કરવાની ધમકી આપી
- 2001ની 13મી ડીસેમ્બરે સંસદ ભુવન ઉપરના હુમલાની 22મી વરસીએ જ હુમલો કરાવવા ગુરૂપતવંત તૈયાર
નવી દિલ્હી : ૨૦૦૧ની ૧૩મી ડીસેમ્બરે સંસદભવન ઉપર થયેલા આતંકી હુમલાની ૨૨મી વરસીના દિવસે જ ભુવન ઉપર હુમલો કરાવવાની શિખ્સ ફોર જસ્ટિસના નેતા ગુરૂપતવંત સિંઘ પન્નુએ ખુલ્લી ધમકી ઉચ્ચારી છે. તેઓએ આ ધમકી ઉચ્ચારવા સાથે તેમના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે આ હુમલો સંસદ ભવનના પાયા હચમચાવી દે તેવો કરવામાં આવશે.
આ ધમકી સંદર્ભે એક વરિષ્ટ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે સમગ્ર સંસદભવન પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ કડક સલામતી બંદોબસ્ત ગોઠવી જ દીધો છે. કોઇને પણ કાનૂની વ્યવસ્થા તોડવા નહીં દેવાય, જ્યારે સંસદની કાર્યવાહી ચાલતી હોય છે ત્યારે અમે પહેલેથી જ કડક બંદોબસ્ત ગોઠવી જ દઇએ છીએ. તેટલું જ નહીં પરંતુ સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દઈએ છીએ.
પન્નુએ જાહેર કરેલા તે વિડીયોમાં તે સમયે સંસદ ભુવન પર કરેલા તે હુમલા પાછળના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂનો પણ ફોટો છે.
આ વિડીયોમાં શિખ્સ ફોર જસ્ટિસના વડા પન્નુએ ભારત ઉપર આક્ષેપ મુક્તાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે મારી હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો હું ૧૩ ડિસેમ્બરે વળતો જવાબ આપીશ જ.
તે સર્વવિદિત છે કે શિખ્સ ફોર જસ્ટિસ (એસ.એફ.જે.) સંગઠનને ભારત સરકારે આતંકી સંગઠન જાહેર કર્યું છે. અને તેને પ્રતિબંધિત પણ જાહેર કર્યું છે. જ્યારે ગુરૂપતવંત સિંઘ પન્નુને પણ આતંકી જાહેર કરી તેનું નામ વૉન્ટેડનાં લિસ્ટમાં અગ્રક્રમે છે.