સિદ્ધૂ મૂસેવાલાના માતા ચરણ કૌર પ્રેગનેન્ટ! માર્ચમાં આપશે બાળકને જન્મ: રિપોર્ટ
- સિદ્ધૂ મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી
Image Source: Twitter
માનસા, તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર
દિવંગત લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘરમાં ફરી પારણું બંધાશે. સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતા ટૂંક સમયમાં જ તેમના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરવા માટે તૈયાર છે. મૂસેવાલાના 56 વર્ષીય માતા ચરણ કૌર સિંહ ગર્ભવતી છે અને તેઓ માર્ચ મહિનામાં એક બાળકને જન્મ આપશે. ચરણ કૌર સિંહ એક ખાસ ટેક્નોલોજીથી બાળકને જન્મ આપશે. આ વાતની પુષ્ટિ સિદ્ધૂ મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે કરી છે. સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ પહેલી વખત તેમના ઘરમાં ખુશીનું આગમન થશે.
IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધૂના માતાનો ગર્ભ ધારણ કરવાનો નિર્ણય
સિદ્ધૂ મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. સિદ્ધૂ મૂસેવાલા પોતાના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. તેથી સિદ્ધૂ પરિવારના વારસદાર અંગે તેમના પ્રશંસકો સતત દુઆ કરી રહ્યા હતા. આ જ કારણ છે કે હવે IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધૂના માતાએ ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. માહિતી મળી રહી છે કે, માર્ચ મહિનામાં સિદ્ધૂની માતા બાળકને જન્મ આપશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધી તેનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ જાણકારી સામે આવતાં જ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી
કાકા ચમકૌર સિંહે આ વાતની પુષ્ટિ કરી દીધી છે પરંતુ સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સુરક્ષાના કારણોસર કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો છે. 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં પ્રખ્યાત પંજાબી સિંગર શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફે સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં મહિન્દ્રા બોલેરો અને ટોયોટા કોરોલા નામના બે મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી.