PM ફેસ માટે ખડગેના નામથી કોંગ્રેસના સૂર બદલાયા? રાહુલ ગાંધીનું નામ જાહેર કરવા સિદ્ધારમૈયાની માંગ

CM સિદ્ધારમૈયાએ પીએમ ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ આગળ ધર્યું

રાહુલ જેવી મહેનત દેશના કોઈપણ નેતાઓએ કરી નથી : સિદ્ધારમૈયા

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News

PM ફેસ માટે ખડગેના નામથી કોંગ્રેસના સૂર બદલાયા? રાહુલ ગાંધીનું નામ જાહેર કરવા સિદ્ધારમૈયાની માંગ 1 - image

બેંગલુરુ, તા.29 નવેમ્બર-2023, શુક્રવાર

તાજેતરમાં જ દિલ્હીમાં I.N.D.I.A ગઠબંધની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણી-2023માં વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેનો નામનો પ્રસ્તાવ રખાયો હતો. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે ખડગેના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં લગભગ તમામે સહમતી દર્શાવી હતી. ખડગેનું નામ રખાયું હોવાના પ્રસ્તાવની જગજાહેર ચર્ચા છતાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી છે.

‘કોંગ્રેસ પાસે દેશની સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા’

સિદ્ધારમૈયાએ કોંગ્રેસના 139માં સ્થાપના દિવસ પ્રસંગે ગુરુવારે બેંગલુરુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પાસે દેશની સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા છે, તેથી રાહુલ ગાંધીએ જ દેશના વડાપ્રધાન બનવું જોઈએ. આમ સિદ્ધારમૈયાનું નિવેદન ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં લવાયેલા પ્રસ્તાવથી ઉલટુ આવ્યું છે. ગઠબંધનની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખડગેના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે બેઠક બાદ ખડગેએ કહ્યું હતું કે, હાલ પીએમ ફેસની વાત ન કરવી જોઈએ, આના પર પછી પણ ચર્ચા કરી શકાય છે. આ પહેલા વધુમાં વધુ સાંસદોને જીતાડવા પડશે.

‘વિપક્ષી દળોએ તમામ મતભેદો ભુલી જવા જોઈએ’

કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં કોઈએ પણ રાહુલ ગાંધી જેટલી મહેનત કરી નથી. તેમણે ભારત જોડો યાત્રા જેવું મિશન લૉન્ચ કર્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ હવે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો એટલે કે ન્યાય યાત્રા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે દેશમાં મોટાભાગના લોકોને ન્યાય મળી રહ્યો નથી. તેમણે કહ્યું કે, દેશમાં પછાત, દલિત, લઘુમતી અને મહિલાઓને ન્યાય આપવાની જરૂર છે, તેથી જ રાહુલ ગાંધી યાત્રાનું આયોજન કરી રહ્યા છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, વિપક્ષી દળોએ તમામ મતભેદો ભુલી જવા જોઈએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ 2024ની ચૂંટણી લડવી જોઈએ.


Google NewsGoogle News