કર્ણાટકમાં ફરી રાજકીય 'નાટક': CM પદ માટે ખેંચતાણ વચ્ચે રાહુલ ગાંધીને મળ્યા આ નેતા
Image Twitter |
Karnataka CM Siddaramaiah met Rahul Gandhi: કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે શનિવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને નેતાઓ ખૂબ સારા મૂડમાં જોવા મળી રહ્યા હતા. આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી છે, તેમા સિદ્ધારમૈયા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખભા પર હાથ મૂકીને તેમની સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. સિદ્ધારમૈયા તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ લઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં સીએમ પદ માટે સિદ્ધારમૈયા અને તેમના ડેપ્યુટી ડીકે શિવકુમાર વચ્ચે હાલમાં ખેંચતાણ ચાલી રહી છે તેવા સમાચાર આવતા રહે છે.
ડીકે શિવકુમારે શિસ્તભંગના પગલાંની ચેતવણી આપી હતી
સિદ્ધારમૈયાએ તેમની મુલાકાતની તસવીર એક્સ પર કરતા લખ્યું કે, "રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપવા માટે હું દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ગયો હતો." તમને જણાવી દઈએ કે, આ પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની સંભાવના અને વધુ 3 નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે શનિવારે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને જાહેર નિવેદનો કરવાથી બચવા કહ્યું હતું. તેમજ આ અંગે શિસ્તભંગની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. શિવકુમારે પક્ષના લોકોને પક્ષના હિતમાં 'તેમના મોં બંધ રાખવા' નો આગ્રહ કર્યો હતો અને સંતોને પણ રાજકીય બાબતોમાં દખલ ન કરવા વિનંતી કરી.
સ્વામીજીને મારા પ્રત્યે સ્નેહ હોવાને લીધે આ વાત કરી હશે: શિવકુમાર
કર્ણાટક મંત્રીમંડળમાં વીરશૈવ-લિંગાયત, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રીની બનાવવાની માંગ વધી રહી છે. હાલમાં સિદ્ધારમૈયા કેબિનેટમાં પ્રભાવશાળી વોક્કાલિગા સમુદાયમાંથી શિવકુમાર એકમાત્ર નાયબ મુખ્યમંત્રી છે. વિશ્વ વોક્કાલિગા મહાસમસ્તાન મઠના વોક્કાલિગા સંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામીજીએ ગુરુવારે જાહેરમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રાજીનામું આપવા અને નાયબ મુખ્યમંત્રી શિવકુમાર માટે રસ્તો બનાવવા માટે આગ્રહ કર્યો હતો. આ મુદ્દે શિવકુમારે વાત કરતાં કહ્યું કે, 'નાયબ મુખ્યમંત્રી બાબતે કોઈ ચર્ચા થઈ નથી અને ન તો મુખ્યમંત્રીને લઈને કોઈ પ્રશ્ન થયો છે. સ્વામીજી (વોક્કાલિગા સંત) એ મારા પ્રત્યેના સ્નેહ હોવાના કારણે મારા વિશે આવી વાત કરી હશે.'