શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : હાઈકોર્ટમાં 15 કેસની એકસાથે સુનાવણી થશે
- સુપ્રીમ કોર્ટનો ઈદગાહ મસ્જિદ સમિતિને ફટકો
- કૃષ્ણ જન્મભૂમિ વિવાદના બધા જ કેસોમાં સમાન પુરાવાના આધારે એક સાથે ચૂકાદો આપી શકાય : અલ્લાહાબાદ હાઈકોર્ટ
નવી દિલ્હી : મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટે મસ્જિદ સમિતિને ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધે ૧૫ કેસોની સુનાવણી એક સાથે કરવાના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ સમિતિની અરજી ફગાવી દીધી છે. જોકે, ન્યાયાધીશ સંજિવ ખન્ના અને દિપાંકર દત્તાની બેન્ચે ટ્રસ્ટ શાહી મસ્જિદ ઈદગાહ મેનેજમેન્ટ સમિતિને હાઈકોર્ટ સમક્ષ તેમની અરજી કરવાની છૂટ આપી છે.
અલ્લાહાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, બધા જ કેસોમાં એક સમાન પુરાવાના આધાર પર ચૂકાદો આવવો જોઈએ અને આ જ કારણે એક સાથે તેની સુનાવણી થવી જોઈએ.
કોર્ટનો સમય બચાવવા માટે પણ આ કેસોની એકસાથે સુનાવણી થાય તે જરૂરી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, મસ્જિદ સમિતિની એક અરજી અલ્લાહાબાદ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, તેથી મસ્જિદ ટ્રસ્ટને અગાઉના પરિણામથી અસંતુષ્ટ હોવા પર વર્તમાન અપીલ ફરીથી શરૂ કરવાની સ્વતંત્રતા અપાઈ છે. જોકે, બેન્ચે મસ્જિદ સમિતિની અરજી પર કોઈપણ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો.
હિન્દુ પક્ષે હાઈકોર્ટ સમક્ષ એક અરજીમાં કહ્યું હતું કે, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ મથુરામાં સિવિલ જજ (સિનિયર ડિવિઝન) સમક્ષ અસલ કેસ દાખલ કર્યા પછી ૧૩.૩૭ એકર જમીન સંબંધે અન્ય કેટલાક કેસો પણ થયા છે. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, આ બધા જ કેસ એક સમાન પ્રકૃતિના છે. આ કેસોમાં એક સાથે કાર્યવાહી થઈ શકે છે અને સમાન પુરાવાના આધારે એક સાથે ચૂકાદો આપી શકાય છે.
કોર્ટનો સમય, અરજદાર પક્ષોના ખર્ચ બચાવવા અને વિરોધાભાસી ચૂકાદાઓને ટાળવા માટે તેમજ ન્યાયના હિતમાં આ દાવાઓને એકીકૃત કરવા યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટે ૨૯ જાન્યુઆરીએ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને જોડતા શાહી ઈદગાહ પરીસરમાં કોર્ટના નિરીક્ષણ હેઠળના સરવે માટે અલ્લાહાબાદ હાઈકોર્ટની કામગીરી પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો.