Photo: અયોધ્યાના રામલલાની જેવી જ મૂર્તિ કરાઈ તૈયાર, જાણો તેને ક્યાં સ્થાપિત કરાશે

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
Photo: અયોધ્યાના રામલલાની જેવી જ મૂર્તિ કરાઈ તૈયાર, જાણો તેને ક્યાં સ્થાપિત કરાશે 1 - image


અયોધ્યામાં ભગવાન શ્રીરામ વિરાજમાન થતાની સાથે જ દેશ-દુનિયામાં ધર્મસંબંધિત નવો પ્રાણસંચાર થયો છે. સમગ્ર વિશ્વમાં રામ નામની ખ્યાતિ વધી છે. આ જ કારણે હવે ભારત જ નહીં વિદેશમાં પણ રામ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અયોધ્યા બાદ હવે અન્ય સ્થળે પ્રથમ નેધરલેન્ડના હનુમાન મંદિરમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 

કાશીમાં રચના-અયોધ્યામાં પૂજા-નેધરલેન્ડમાં સ્થાપના : 

ભગવાન શ્રીરામની આ પ્રતિમા કાશીમાં બનેલી છે. મહાદેવની નગરીમાં ભગવાન શ્રી રામલલાની 5.10 ફૂટની પ્રતિમાનું નિર્માણ બે મહિનામાં પૂર્ણ થયું છે. શિલ્પકાર કન્હૈયાલાલ શર્માએ 10 સાથી શિલ્પકારો સાથે મળીને ધેલવરિયા સ્થિત સ્ટેચ્યુ ફેક્ટરીમાં આ મૂર્તિ બનાવી છે. આ પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત શ્રી રામલલાની પ્રતિકૃતિ સમાન જ કાળા ગ્રેનાઈટથી બનેલી છે. આ મહિને જ અયોધ્યામાં કાશીમાં બનેલ પ્રતિમાની પૂજા કરવામાં આવશે અને ત્યાર બાદ તેને નેધરલેન્ડમાં સ્થાપિત કરવામાં આવશે.

શર્માએ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામલલાની પ્રતિમા સ્થાપિત થયા બાદ અમે પણ આવી જ પ્રતિમા બનાવવા માંગતા હતા. અમને ઓર્ડર મળતા અમે પણ ઉત્સાહી થયા. 

ઇન્ટરનલ બ્લિસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર રાહુલ મુખર્જીએ જણાવ્યું કે શ્રી રામલલાની આ મૂર્તિની સૌથી પહેલા અયોધ્યામાં પૂજા કરવામાં આવશે. ત્યારબાદ નેધરલેન્ડના હનુમાન મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. સંસ્થાના સ્થાપક સ્વામી અખંડ સમ્રાટ આનંદ મહારાજના માર્ગદર્શન હેઠળ વિશ્વના અનેક દેશોમાં શ્રી રામલલાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. 

નેધરલેન્ડ બાદ જર્મની, ઈટાલી, અમેરિકા, કેનેડા, બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તેને સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાહુલ મુખર્જીએ જણાવ્યું કે શ્રી રામલલાની 24 ઈંચની પ્રતિમા પણ બનાવવામાં આવશે. રુદ્રાભિષેક માટે આ મૂર્તિનો વિગ્રહ બનાવવામાં આવશે.

ત્રીજી પેઢી મૂર્તિકાર :

કન્હૈયાલાલ શર્માની ત્રણ પેઢીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેમના દાદા મહાદેવ પ્રસાદ એક મહાન શિલ્પકાર હતા. તેમણે ઈન્ડિયા ગેટ પર છત્રપતિ શિવાજી, જ્યોર્જ પંચમ, દરભંગા રાજા વગેરેની પ્રતિમા બનાવી છે. કન્હૈયાલાલના પિતા ઓમકારનાથે પણ આ વારસો સંભાળ્યો હતો. ઈંગ્લેન્ડની રાણી ઉપરાંત કન્હૈયાલાલે અન્ય વિદેશીઓની મૂર્તિઓ પણ બનાવી છે અને હવે કન્હૈયાલાલ શર્માને શ્રી રામની મૂર્તિ બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે.


Google NewsGoogle News