જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ, મહિલાની લાશના 6 ટુકડાં કર્યા, ખાડો ખોદી બહાર કાઢવા પડ્યાં
Image: Freepik
Woman Murder in Jodhpur: રાજસ્થાનના જોધપુરમાં દિવાળી પહેલા એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં એક મહિલાની હત્યા કરીને તેના મૃતદેહના 6 ટુકડા કરીને એક થેલામાં ભરીને 10 ફૂડ ઊંડા ખાડામાં દાટી દેવાયા. 50 વર્ષીય અનીતા ચૌધરી બ્યુટીશિયનનું કામ કરતી હતી, આ સાથે જ તે પ્રોપર્ટી ડીલિંગનો બિઝનેસ પણ કરતી હતી. ઘટના જોધપુરના બોરાનાડા વિસ્તારના ગંગાના ગામની છે. મહિલા ત્રણ દિવસથી ગાયબ હતી. પરિવાર દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસ કરી રહી હતી. બુધવારે પોલીસને સફળતા મળી અને અનીતાનો મૃતદેહ જોધપુરના ગંગાના વિસ્તારમાં માટીની અંદર દટાયેલો મળ્યો.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી પ્રમાણે સરદારપુર વિસ્તારમાં રહેતી અનીતા ચૌધરી એક બ્યુટી પાર્લર ચલાવતી હતી. 27 ઓક્ટોબરે તેના પરિવારજનોએ સરદારપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે મહિલા અંગે શોધખોળ શરૂ કરી તો સીસીટીવી ફૂટેજમાં ટેક્સીમાં બેસીને તે જતી નજર આવી. જેથી ટેક્સી નંબરના આધારે ડ્રાઈવરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે મહિલાને મે ગંગાના વિસ્તારમાં છોડી હતી. પોલીસને એ જાણવા મળ્યું કે જે ઘરે ટેક્સી ડ્રાઈવર મહિલાને છોડી તે મહિલાના બ્યુટી પાર્લરની પાસે જ રફુની દુકાન ચલાવનાર ગુલામુદ્દીનનું મકાન હતું. ગુલામુદ્દીન ઘરે ન મળતાં પોલીસને શંકા થઈ.
આ પણ વાંચો: ચટાકા લઈને ખવાતી આ વસ્તુ પર એક વર્ષનો બૅન, મહિલાના મોત પર તેલંગાણા સરકારની કાર્યવાહી
ગ્રાઈન્ડરથી કર્યાં શરીરના ટુકડા
પરિવારજનોને જ્યારે કડકાઈથી પૂછવામાં આવ્યું તો ગુલામુદ્દીનના પરિવારે જણાવ્યું કે મહિલાની હત્યા કરીને તેનો મૃતદેહ ઘરની સામે જ 10 ફૂટ ઊંડા ખાડામાં છુપાઈને રાખવામાં આવ્યો છે. તે બાદ પોલીસે ગુલામુદ્દીનની પત્નીની ધરપકડ કરી લીધી. તે બાદ પોલીસે ઘરની સામે કરેલા ખાડામાંથી મૃતદેહને કાઢીને મોર્ચરીમાં રાખ્યો છે. મહિલાનું ગળું, બંને હાથ અને બંને પગ કપાયેલા હતા. પોલીસને મૃતદેહને જોઈને લાગ્યું કે ગ્રાઈન્ડરથી શરીરના ટુકડા કરવામાં આવ્યા હશે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
મૃતક મહિલા હત્યારાને ભાઈ માનતી હતી
મૃતક મહિલાના પુત્રનું કહેવું છે કે 'મારી માતાને વિશ્વાસમાં લઈને ગુલામુદ્દીન અને તેના પરિવારના લોકોએ ઘરે બોલાવી અને તેની હત્યા કરી દીધી. છેલ્લા ઘણા દાયકાથી ગુલામુદ્દીન સાથે પારિવારિક સંબંધ છે. ગુલામુદ્દીનને મારી માતા પોતાનો ભાઈ માનતી હતી.'