કર્મચારીઓને પગાર વધારો આપવા માટે મ્યાનમારમાં દુકાનદારોને જેલ ભેગા કરાયા
મ્યાનમારમાં અર્થતંત્ર પડી ભાંગવાની અણીએ છે
તેમના પર આરોપ છે કે આ રીતે તેઓ લોકોને દર્શાવવા માગે છે કે દેશમાં ફુગાવો વધતાં કર્મચારીઓને પગાર વધારો આપવો પડે છે
નવી દિલ્હી: કર્મચારીઓને પગાર વધારો આપવા માટે મ્યાનમારમાં કેટલાએ દુકાનદારોને જેલ ભેગા કરાયા છે. દેશમાં હાથ બહાર જઈ રહેલા ફુગાવાને લીધે કેટલાયે દુકાનદારોએ પોતાના કર્મચારીઓને પગાર વધારો આપવાની શરૂઆત કરી હતી તે કારણસર જ તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
આ ઝો તેવો એક માત્ર દુકાનદાર નથી કે જેને જેલભેગો કરાયો હોય. આવા બીજા ઓછામાં ઓછા ૧૦ દુકાનદારો છે કે જેમને ઝો ની જેમ જ ૩ માસની જેલની સજા કરવામાં આવી છે.
આ રીતે લશ્કરી જુન્ટા તદ્દન અસ્પષ્ટ કાનૂનોનો આધાર ટાંકતાં કહે છે કે, આ રીતે આ દુકાનદારો દેશમાં વધી રહેલી મુદ્રાસ્ફીતિ (ફુગાવા)ને ઉઘાડી પાડે છે.
આ અંગે મ્યાનમારના જ કાનૂન નિષ્ણાતો કહે છે કે, 'પગાર વધારો આપવો તે કાનૂન પ્રમાણે પ્રતિબંધિત છે જ નહીં.' પરંતુ સત્તાવાળાઓ કહે છે કે, 'આ રીતે દુકાનદારો તે દર્શાવવા માગે છે કે દેશમાં ફુગાવો વધી રહ્યો છે, જે તેમણે કરવું જ ન જોઈએ.'
ન્યૂયોર્ક-ટાઇમ્સ આ સાથે જેને પગાર વધારો મળ્યો હતો તેવા ઝોના એક કર્મચારીએ કહ્યું હતું કે 'અમે માંગ્યો ન હતો તે છતાં શેઠે પગાર વધારો આપ્યો તેથી અમે તેઓના ઘણા જ આભારી છીએ.' પરંતુ હવે તો દુકાનને તાળાં જ લાગી ગયા છે, તેથી પગાર વધારો તો શું પગાર પણ મળી શકે તેમ નથી. બીજી તરફ અમારા જેવા અનેકો સતત વધી રહેલા ભાવને લીધે ભીંસાઈ રહ્યાં છે. પોતાનું નામ નહીં જણાવવાની શરતે તેણે આમ કહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના અર્થશાસ્ત્રી સીન ટર્નેલે ન્યૂયોર્ક-ટાઇમ્સને જણાવ્યું હતું કે ૨૦૨૧માં ત્યાં લશ્કરી બળવો થયો ત્યારથી તેનું અર્થતંત્ર ઢળતું જ રહ્યું છે તે ક્રાઇસિસમાંથી કેમોસમાં પહોંચી ગયું છે અને હવે તદ્દન ભાંગી પડવાની અણીએ આવી ગયું છે. અર્થતંત્રમાં વિકાસ થવાની તો વાત છોડો તેમાં સ્ટેગફલેશન/ સ્ટેગનેશન + ઈન્ફલેસન) આવી ગયું છે. સ્ટેગફલેશન એટલે એક તરફ અર્થતંત્રમાં વિકાસ તદ્દન બંધ થઈ ગયો હોય. (સ્ટેગનેશન આવી ગયું હોય) છતાં માલ માટે લીધેલાં ધીરાણોનાં વ્યાજનાં ચક્કરો વધતાં જતાં હોય, બીજી તરફ જનતાની ખરીદ-શક્તિ જ તૂટી જતાં માલનો ઉપાડ જ પૂરતો ન થતો હોય તેમાં દુકાન ખર્ચ અને દુકાન કે ઉદ્યોગો ચાલે ત્યારે તેના મુખ્ય આનુષંગિક ખર્ચાઓ જેમાં નોકર પગાર, દુકાન ભાંડુ, ગોડાઉન ભાડું, દુકાનનો પરચુરણ ખર્ચ તો ચાલતા જ રહેતા હોય, તેથી માલની કિંમત વધતી જ જાય (વધારવી જ પડે) પરંતુ ખપત જ ન હોય, તેથી વેપારી ભીંસાતો રહે. ઉદ્યોગોને કાચો માલ મોંઘો પડતો જાય, તેના વીજળી બીલ, તેલ વાપરે તો તેના બીલ વગેરે વધતાં જ જાય. પરંતુ માલ તો પડયોને પડયો જ રહે. ઉત્પાદિત માલની ખપત જ ન થાય. પરિણામે દેશ અસામાન્ય પરિસ્થિતિમાં સ્ટેગફલેસનમાં મુકાઈ જાય તેમાં જો પરિસ્થિતિ ય સુધરે તો અર્થતંત્ર ભાંગી જ પડે.