VIDEO: મહાકુંભની શ્રદ્ધાળુઓ માટે બની રહેલા ભોજનમાં પોલીસ કર્મીએ નાખી રાખ
Mahakumbh 2025 : પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મી મહાકુંભમાં જતા ભક્તો માટે બનાવાઇ રહેલા ભોજન પર રાખ ફેંકતો દેખાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે અને જનતાને આવી ઘટનાની નોંધ લેવા આહ્વાન કર્યું છે.
શું બોલ્યા અખિલેશ યાદવ?
અખિલેશ યાદવે વીડિયો શેર કરીને લખ્યું કે, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો જે મહાંકુંભમાં આવેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે, તેમના સારા પ્રયાસો પર રાજકીય દ્વેષની રાખ નાખવામાં આવી રહી છે. જનતા આ ઘટનાની નોંધ લે.' નોંધનીય છે કે, આ વીડિયો પ્રયાગરાજના સોરાંવ વિસ્તારનો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે. રસ્તા પર ત્રણ મોટા વાસણોમાં મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું છે આ દરમિયાન અચાનક એક પોલીસ કર્મી એક વાસણમાં જમીન પરથી રાખ ઉપાડીને ભોજનમાં નાંખી દે છે.
શું છે સમગ્ર ઘટના?
હકીકતમાં, મહાકુંભમાં મૌની અમાસ પર નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 30 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ, સાવચેતીના પગલા તરીકે પ્રયાગરાજ આવતા વાહનોને રસ્તાઓ પર રોકવામાં આવી રહ્યા છે. જે પછી કેટલાક લોકો પગપાળા પણ જઈ રહ્યા છે. આવા લોકો માટે, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ રસ્તામાં ખોરાક, પાણી વગેરેની વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં નાસભાગ બાદ હવે ભીષણ આગ લાગી, અનેક ટેન્ટ બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં
પ્રસાદ વિતરણ સમયે ટ્રાફિક જામ થયો
મહાકુંભમાં જતા ભક્તોની સેવા માટે પ્રયાગરાજ-પ્રતાપગઢ રોડ પર ગ્રામજનોએ એક સમુદાય રસોડું ગોઠવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીંથી પ્રસાદ લઈ રહ્યા હતા. જોકે, પ્રસાદ વિતરણ સમયે ભારે ભીડ એકઠી થઇ હોવાથી ટ્રાફિક જામ થયો હતો. જે પછી પોલીસની એક ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભંડારાને રોકવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે ગ્રામજનોએ ભંડારા રોકવાનો ઇનકાર કર્યો, ત્યારે એક પોલીસકર્મી ગુસ્સે થઈ ગયો અને તેણે ચૂલા પર તૈયાર થઈ રહેલા ભંડારાના પ્રસાદમાં જમીન પર પડેલી રાખ ફેંકી દીધી.
પોલીસ કર્મી વિરૂદ્ધ થશે કાર્યવાહી
આ ઘટના બાદ એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'હાઇવે બાજુ ભંડારાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા માટે પોલીસ આવી હતી. જોકે, ભંડારમાં રાખ નાખવી એ ખૂબ જ ખોટું છે. અમે આ ઘટનાની વધુ તપાસ કરવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.'
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહાકુંભ પ્રવાસ મુલતવી! 5 ફેબ્રુઆરીએ નહીં જાય પ્રયાગરાજ: સૂત્ર