લોરેન્સ બિશ્નોઈ પાછળ પરિવાર દર વર્ષે ખર્ચે છે આટલા લાખ, ભાઈએ જ કર્યો ચોંકાવનારો ખુલાસો
Lawrence Bishnoi: બાબા સિદ્દિકીની હત્યાનો માસ્ટરમાઈન્ડ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેલમાં બંધ ગેંગસ્ટર પાછળ તેનો પરિવાર દર વર્ષે 35 થી 40 લાખ રૂપિયા ખર્ચે છે. આ ખર્ચ જેલમાં તેની સંભાળ લેવા પાછળ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો તેના જ પિતરાઈ ભાઈએ કર્યો છે. લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ 50 વર્ષીય રમેશ બિશ્નોઈએ લોરેન્સના બાળપણ અને અન્ય બાબતો વિશે પણ મહત્ત્વની માહિતી આપી છે.
સંભાળનો વાર્ષિક ખર્ચ રૂ. 40 લાખ
રમેશે જણાવ્યું હતું કે ગેંગસ્ટરનું નામ લોરેન્સ કેવી રીતે પડ્યું? કોઈને કલ્પના પણ નહોતી કે, પંજાબ યુનિવર્સિટીમાંથી લૉ ગ્રેજ્યુએટ થયેલો લોરેન્સ ભવિષ્યમાં મોટો ગુનેગાર બનશે. લોરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેમની પાસે ગામમાં 110 એકર જમીન હતી. લોરેન્સ હંમેશા મોંઘા કપડાં અને જૂતા પહેરતો હતો. જેલમાં બંધ હોવા છતાં તેનો પરિવાર તેની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતો નથી. પરિવાર દ્વારા લોરેન્સ પાછળ દર વર્ષે લગભગ 40 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે.
લોરેન્સ નામ કેવી રીતે પડ્યું?
પંજાબના ફિરોજપુરમાં જન્મેલા લોરેન્સ બિશ્નોઈનું અસલી નામ બલકરન બરાર હતું. પરંતુ શાળાના દિવસોમાં જ તેણે પોતાનું નામ બદલી લોરેન્સ રાખ્યું હતું. તેની કાકીને લોરેન્સ નામ ગમતુ હોવાથી તેણે આ નામ અપનાવ્યું હતું. કાકીના મતે, લોરેન્સ નામ તેની પર્સનાલિટી સાથે મેળ ખાતુ હતું. લોરેન્સ બિશ્નોઈ લૉ કોલેજમાં અભ્યાસ દરમિયાન ગેંગસ્ટરની દુનિયામાં પ્રવેશ્યો હતો.
આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈએ અનેક રાજ્યોમાં ગુનાખોરી કરી છતાં તેને ફક્ત ગુજરાતમાં જ કેમ રખાયો?
કેનેડામાં પણ રેકેટ
લોરેન્સ બિશ્નોઈએ પોતાની ગેંગનો વ્યાપ છેક કેનેડા સુધી કર્યો છે. કેનેડાની પોલીસે અવારનવાર કેનેડામાં બિશ્નોઈ ગેંગની ગતિવિધિઓ થતી હોવાના દાવાઓ કર્યા છે. મે, 2022માં પ્રસિદ્ધ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી લોરેન્સ બિશ્નોઈનું નામ ઉભરી આવ્યું હતું.
ક્યાં છે લોરેન્સ બિશ્નોઈ
લોરેન્સ બિશ્નોઈ ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. જુદા-જુદા કેસોમાં એટીએસ અને એનઆઈએ વિરૂદ્ધ તપાસ કરી રહી છે. ઓગસ્ટ, 2023માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિશ્નોઈને અન્ય રાજ્યની જેલમાં ટ્રાન્સફર ન કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની સમય મર્યાદા વધુ એક વર્ષ લંબાવવામાં આવી હતી.