ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, દીકરો સમજાવતો રહ્યો છતાં આઘાતથી બહાર ન આવી માતા, હાર્ટએટેકથી મોત
Image: Freepik
Digital Arrest Case in Agra: આગ્રાથી એક દર્દનાક અને સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા એક શિક્ષિકાને એવો આઘાત લાગ્યો કે તેઓ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા. આ ઘટના 30 સપ્ટેમ્બરે થઈ, જ્યારે 58 વર્ષીય માલતી વર્માના મોબાઇલ પર એક ફ્રોડ વ્હોટ્સએપ કોલ આવ્યો. કોલ કરનારે તેમને કહ્યું હતું કે 'તમારી પુત્રી ખોટા કામમાં ફસાઈ ગઈ છે, તેને બચાવવા માટે એક લાખ રૂપિયા મોકલો.' તે બાદ મહિલાના પુત્રએ સમજાવ્યું કે આ ફ્રોડ કોલ છે, તેમ છતાં મહિલાને એટલો આઘાત લાગ્યો કે ચાર કલાક બાદ તેમને હાર્ટએટેક આવી ગયો.
શિક્ષિકા માલતી વર્મા રાજકીય કન્યા જુનિયર હાઇસ્કૂલ અછનેરામાં કાર્યરત હતા. તેમની પર વ્હોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં કોલરે પોતાને પોલીસ અધિકારી ગણાવ્યો. કોલરે કહ્યું કે 'તમારી પુત્રીને સેક્સ રેકેટમાં પકડવામાં આવી છે અને તેને છોડાવવા માટે તાત્કાલિક 1 લાખ રૂપિયા મોકલવા પડશે.' આ કોલથી માલતીબહેન એટલા ગભરાયા ગયા કે તેમણે તાત્કાલિક પોતાના પુત્ર દિવ્યાંશુનો સંપર્ક કર્યો અને તેને રૂપિયા મોકલવા માટે કહ્યું. કોલ દરમિયાન ફ્રોડ કરનારે માલતીબહેનને ડરાવવા માટે પોલીસ અધિકારીની વર્દી વાળી ડીપીનો ઉપયોગ કર્યો. તેણે માલતીબહેનને ધમકી આપી કે 'જો તાત્કાલિક રૂપિયા ન મોકલ્યા તો તેમની પુત્રીનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે અને તેને જેલ મોકલી દેવામાં આવશે.' આ સાંભળીને ગભરાયેલા માલતીબહેને પુત્રને કોલ કર્યો અને તેને કહ્યું કે તે તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરી દે. જે બાદ દિવ્યાંશુએ માતા પાસે કોલરનો નંબર માગ્યો અને નંબર જોઈને તાત્કાલિક ઓળખી લીધું કે આ એક ફ્રોડ કોલ છે. આ નંબર પાકિસ્તાની કોડથી શરુ થઈ રહ્યો હતો.
માલતી વર્માને ઠગે ચાર કલાક સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. આ દરમિયાન તેમને 8 કોલ કરવામાં આવ્યા હતા. મહિલાના પુત્ર દિવ્યાંશુને જ્યારે ખબર પડી તો દિવ્યાંશુએ માતાને સમજાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો કે આ એક ફ્રોડ છે. બહેન સંપૂર્ણ સુરક્ષિત છે. દિવ્યાંશુએ પોતાની બહેન વંશિકા સાથે પણ સંપર્ક કર્યો અને વીડિયો કોલ દ્વારા જાણ્યુંં કે તે કૉલેજમાં સુરક્ષિત છે. તે બાદ પણ માલતી વર્મા માનસિક આઘાતમાંથી બહાર આવી શક્યા નહીં જે તેમને તે ફ્રોડ કોલના કારણે થયો હતો.
માલતી વર્મા ડિજિટલ અરેસ્ટ બાદ ડર અને માનસિક તણાવથી બહાર આવી શક્યા નહોતા. સ્કૂલેથી ઘરે પાછા ફરતી વખતે તેમની તબિયત બગડવા લાગી. પરિવારે તાત્કાલિક તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા પરંતુ ચાર કલાક બાદ તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મૃત્યુ થયું.
માલતી વર્માના મોત બાદ તેમનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ સમગ્ર મામલે આગ્રાના એસીપીએ જણાવ્યું કે 'આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.'