ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભડક્યા સંજય રાઉત, ભાજપ અને RSSને ઘેર્યું
Image Source: Twitter
Sanjay Raut On Supreme Court Over Justice New Statue: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ મોટો ફેરફાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં 'લેડી ઑફ જસ્ટિસ' એટલે કે ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી છે, જે અત્યાર સુધી કાયદો આંધળો હોવાનું દર્શાવે છે. સાથે જ તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક આપવામાં આવ્યું છે. આ પ્રતિમા સુપ્રીમ કોર્ટના જજોની લાઈબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટના આ મોટા નિર્ણય પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના-ઉદ્ધવ બાલાસાહેબના નેતા સંજય રાઉતે કોર્ટના આ નિર્ણયની ટીકા કરી છે અને ભાજપ-RSS પર નિશાન સાધ્યું છે.
#WATCH | On the new justice statue in the Supreme Court, Shiv Sena (UBT) MP Sanjay Raut says, "The court's job is to protect the constitution and serve justice as per the constitution. But is it happening in the SC? What are they trying to prove by replacing the sword in the hand… pic.twitter.com/iG184otwau
— ANI (@ANI) October 17, 2024
શું બોલ્યા સંજય રાઉત?
શિવસેનાના UBTના સાંસદ સંજય રાઉતે ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'કોર્ટનું કામ બંધારણની રક્ષા કરવાનું છે અને બંધારણ હેઠળ ન્યાય કરવાનું છે. પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટમાં શું થઈ રહ્યું છે? આખરે તેઓ ન્યાયની દેવીના હાથમાંથી તલવાર હટાવીને તેની જગ્યાએ બંધારણનું પુસ્તર લાવીને શું સાબિત કરવા માગે છે?'
રાઉતે આગળ કહ્યું કે, તેઓ પહેલાથી જ બંધારણની હત્યા કરી ચૂક્યા છે અને હવે ન્યાયની દેવીની આંખો પર બાંધેલી પટ્ટી હટાવીને તેઓ તમામને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને બંધારણની હત્યા દેખાડવા માગે છે. આ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો પ્રોપેગેન્ડા અને અભિયાન છે.
ન્યાયની દેવીના આંખોની પટ્ટી, તલવાર દૂર થયા
સામાન્ય રીતે આપણે ફિલ્મો, સિરિયલો અને બીજા ઘણા માધ્યમોમાં જ્યારે અદાલત જોઈએ ત્યારે ન્યાયાધિશની બાજુમાં ન્યાયની દેવીની મૂર્તિ હોય છે. ન્યાયની દેવીની મૂર્તિ ઉપર આંખે પાટા બાંધેલા અને હાથમાં તલવાર રાખેલી તથા બીજા હાથમાં ત્રાજવું રાખેલું હોય છે. ન્યાયની આ દેવીને ધ્યાનમાં રાખીને અંધા કાનૂન અને બીજી ઘણી ફિલ્મો બનેલી છે. આ ન્યાયની દેવીની મૂર્તિમાં હવે મોટું પરિવર્તન આવ્યું છે. ભારત સરકાર દ્વારા અંગ્રેજોના સમયથી ચાલતા આવતા ન્યાયંત્રને ભારતીય વ્યવસ્થા અનુરૂપ બદલવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે આ વર્ષે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવી. હવે ભારતીય ન્યાયતંત્રના પ્રતિક રૂપે ન્યાયની દેવીનું પણ સ્વરૂપ બદલવામાં આવ્યું છે.
સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડની ભલામણ બાદ ન્યાયની દેવીનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. નવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓ જજની લાઈબ્રેરીમાં મુકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યાયની દેવીના નવા સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંધા કાનૂનને દર્શાવતી દેવીની પ્રતિમાની આંખો ઉપરથી કાળી પટ્ટી દૂર કરવામાં આવી છે. હવે ન્યાયની દેવી બધું જ જોઈ શકે છે. આ ઉપરાંત તેમની મૂર્તિના એક હાથમાં ત્રાજવું યથાવત્ છે જે તમામ લોકોને સમાન ત્રાજવે તોલીને ન્યાય કરે છે. બીજી તરફ બીજા હાથમાંથી તલવાર લઈ લેવાઈ છે અને તેના સ્થાને બંધારણ આપવામાં આવ્યું છે. સીજેઆઈનું માનવું હતું કે, તલવાર તો હિંસાનું પ્રતિક છે. કોર્ટ હિંસા નથી કરતી તે તો ન્યાય કરે છે જે હિંસાનું સમર્થન કરનાર ન હોઈ શકે. તેના પગલે જ તલવાર ના બદલે હવે બંધારણ રાખવામાં આવ્યું છે.