Get The App

'રામલલા દેશની અસ્મિતા, તે કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી..' સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર

કહ્યું શિવસેનાએ જ સૌથી પહેલાં રામમંદિરના ટ્રસ્ટની સ્થાપના બાદ 1 કરોડ રૂ. દાન કર્યું હતું

તેમણે કહ્યું કે રામલલા કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી. અયોધ્યાની જમીન ભાજપના નામે નથી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
'રામલલા દેશની અસ્મિતા, તે કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી..' સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર 1 - image


Sanjay Raut about Ram mandir | શિવસેના સાંસદ સંજય રાઉતે રામમંદિર અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ રામલલાના નામે વારંવાર વોટ માગી રહી છે. રામલલા દેશની અસ્મિતા છે, ભાજપ તેમને કિડનેપ કરવા માગે છે. રાઉતે દાવો કર્યો કે શિવસેના પહેલી એવી પાર્ટી છે જેણે ટ્રસ્ટની સ્થાપના બાદ સૌથી પહેલાં 1 કરોડ રૂપિયા દાન આપ્યું હતું. 

ભાજપને આપી ચેતવણી! 

તેમણે કહ્યું કે રામલલા કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી. અયોધ્યાની જમીન ભાજપના નામે નથી. તે રામલલાના નામે છે. એટલા માટે તેના વિશે સાચવીને રાજનીતિ કરે. સંજય રાઉતે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિશે પણ કેન્દ્રને આડેહાથ લેતાં કહ્યું કે ભાજપ સરકાર વિપક્ષમુક્ત સંસદ બનાવવા માગે છે. પીએમ મોદી આ કામમાં જ વ્યસ્ત છે. ચૂંટણીમાં જાય છે, સીએમ બનાવે છે, શપથગ્રહણમાં જાય છે, ઉત્સવ મનાવે છે. એ જ સમયે આપણો શત્રુ, દેશના શત્રુ કાશ્મીરમાં આપણા જવાનો પર હુમલાનું કાવતરું ઘડી કાઢે છે. આ અતિગંભીર મામલો છે. સંસદમાં લોકો ઘૂસી જાય છે, ત્યાં કાશ્મીરમાં આતંકી ઘૂસે છે. આપણા જવાનો પર હુમલા કરે છે પણ પીએમ મોદી આ વાતથી અજાણ રહે છે. તે ફક્ત મોટી મોટી વાતો કરે છે.

જવાનો શહીદ થઇ રહ્યા છે અને સરકાર ઊંઘી રહી છે... 

રાઉતે કહ્યું કે પૂંછમાં જે હુમલો થયો છે તે એક રીતે પુલવામા જેવો જ હુમલો છે. આ જ રીતે પુલવામાં થયું હતું. સરકાર ઊંઘી રહી હતી અને આજે પણ સરકાર ઊંઘી રહી છે. સરકાર 370 હટાવવાની ઉજવણી કરી રહી છે. જ્યારે કલમ 370 હટાવી હતી તો અમે સમર્થન આપ્યું હતું પરંતુ જવાનોની સુરક્ષાનું શું? લડ્યા વિના જ જવાનો શહીદ થઈ રહ્યા છે. આ શું ચાલી રહ્યું છે. શું તમે ફરી એકવાર રાજનીતિ કરવા માગો છો? તો શું તમે ફરી એકવાર પુલવામાની જેમ 2024માં આ મુદ્દે વોટ ઈચ્છો છો? 

'રામલલા દેશની અસ્મિતા, તે કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી..' સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર 2 - image


Google NewsGoogle News