'મોટો નિર્ણય લેતા પહેલા તેઓ પોતાના ગામ જાય છે...', શિંદેને લઈને શિવસેના નેતાનું મોટું નિવેદન
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, મહાયુતિને ભવ્ય જીત મળી છે, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી કોણ હશે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું. એક તરફ જ્યારે ભાજપમાં અનેક બેઠકો થઈ ચૂકી છે તો બીજી તરફ એનસીપી અને શિવસેના (શિંદે જૂથ) પણ પોત-પોતાની નીતિ બનાવી રહ્યા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે એકનાથ શિંદેનું દરયાગાંવ જવું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શિંદે જૂથના વરિષ્ઠ નેતા સંજય શિરસાટનું કહેવું છે કે, 'જ્યારે પણ મુખ્યમંત્રીને કોઈ મોટો રાજકીય નિર્ણય લેવાનો હોય અથવા તો તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફસાય છે ત્યારે તેઓ પોતાના ગામ દરયાગાંવ જાય છે. કાલે સાંજ સુધી મોટો નિર્ણય લઈ શકે છે.'
શું બોલ્યા સંજય શિરસાટ?
સંજય શિરસાટે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ રાજકીય સંજોગો સર્જાય છે અથવા તો વિચાર માટે સમય જોતો હોય તો, તેઓ દરયાગાંવને પ્રાથમિકતા આપે છે. ત્યાં ન તેમનો મોબાઈલ લાગે છે, ન તેમનો સંપર્ક થઈ શકે છે. શાંતિથી વિચાર કરી, તેઓ ત્યાંથી મોટો નિર્ણય લઈને પરત ફરે છે.'
શિરસાટના અનુસાર, 'એકનાથ શિંદે હાલ દરયાગાંવમાં છે અને શનિવાર સાંજ સુધી કોઈ મોટા નિર્ણયની જાહેરાત કરી શકે છે. એકનાથ શિંદેના નિર્ણયો હંમેશા ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ આવે છે. આ વખતે પણ કંઈક મોટું કરશે.'
શું છે દરયાગાંવની ખાસિયત?
દરયાગાંવ એકનાથ શિંદેના જીવન અને રાજનીતિનો મહત્ત્વનો ભાગ રહ્યું છે. આ જગ્યા તેમની વિચારવાની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં તેઓ ખુદને કોઈ પણ બહારના પ્રેશરથી દૂર રાખે છે. અહીંથી પરત ફર્યા બાદ તેમના નિર્ણયોએ અનેકવાર રાજનીતિમાં મોટા ફેરફાર કર્યા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રીનો આ નિર્ણય વધુ ચર્ચામાં આવ્યો છે. રાજકીય વિશેષજ્ઞોના મતે, હાલની સ્થિતિમાં શિંદેનો નિર્ણય રાજ્યની રાજનીતિમાં નવો બદલાવ લાવી શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કરી મોટી માગ, ચૂંટણી પંચ લેશે નિર્ણય