મધ્યપ્રદેશમાં શિવરાજનો યુગ પૂરો મોહન યાદવ નવા મુખ્યમંત્રી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં શિવરાજનો યુગ પૂરો મોહન યાદવ નવા મુખ્યમંત્રી 1 - image


- લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓબીસી નેતા પર આખરે પસંદગી

- એમપી, છત્તીસગઢમાં સમીકરણો બેસાડાયા, વસુંધરાના કારણે રાજસ્થાનનું કોકડું ઉકેલાયુ નહીં : આજે ધારાસભ્યોની બેઠક

- મધ્યપ્રદેશમાં નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભા સ્પીકર, જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લ ડેપ્યૂટી સીએમ

ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અંગે કેટલાય દિવસ સુધી ચાલેલા સસ્પેન્સનો અંત આવ્યો હતો. ઓબીસી નેતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિશ્વાસુ ગણાતા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવાયા છે. શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્યોની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સાથે જ બે ઉપમુખ્યમંત્રીઓની ફોર્મુલા રચવામાં આવી છે અને તેના ભાગરૃપે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લને ડેપ્યૂટી મુખ્યમંત્રી બનાવાયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સ્પીકર બનશે.

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીપદે કોને બેસાડાશે તેની કેટલાય દિવસથી ચર્ચા હતી. શિવરાજ સિંહ ચૌહાણે ઘણાં દિવસથી પોતે મુખ્યમંત્રીપદની રેસમાં ન હોવાના સંકેત આપ્યા હતા. એ પછી શિવરાજ સિંહ નહીં તો કોણ? એ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો હતો. આખરે એનો જવાબ મળી ગયો હતો. મધ્યપ્રદેશમાં મળેલી વિધાનસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના અનુગામી તરીકે નવા મુખ્યમંત્રીપદે મોહન યાદવના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો હતો.

મોહન યાદવને મુખ્યમંત્રી બનાવીને ભાજપે લોકસભાના સમીકરણો રચ્યા છે. ઓબીસી ઉમેદવાર અને એમાંય યાદવ નામ પસંદ કરીને મધ્યપ્રદેશ, ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના કેટલાય રાજ્યોમાં યાદવ મતબેંકને મજબૂત કરવા આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લને ઉપમુખ્યમંત્રી બનાવાયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને નિરીક્ષક બનાવીને એમપી મોકલાયા હતા. ખટ્ટર ઉપરાંત શિવરાજ સિંહ ચૌહાણ, ઓબીસી મોર્ચાના પ્રમુખ કે. લક્ષ્મણ સહિતની હાજરીમાં આ નામનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. એ સાથે જ લાંબાં સમયથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણના યુગનો રાજ્યમાં અંત આવ્યો છે. ચૂંટણી પહેલાં જ ભાજપે નવા મુખ્યમંત્રીના સંકેત આપ્યા હતા. ભાજપે ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીપદની જાહેરાત કરી ન હતી. બીજી તરફ શિવરાજ સિંહ ચૌહાણ પોતે પદના દાવેદાર ન હોવાનો સંકેત આપતા હતા.

બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢનું કોકડું ઉકેલાવા છતાં હજુ રાજસ્થાનના મુખ્યમંત્રીપદનું કોકડું ગૂંચવાયેલું છે. મંગળવારે બપોરે ધારાસભ્યોની બેઠક મળવાની છે, તેમાં નામની જાહેરાત થાય એવી શક્યતા છે. વસુંધરા રાજેએ દાવેદારી કરી હોવાથી અને છેલ્લી ટર્મ મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી હોવાથી આ મુદ્દે ઉકેલ આવ્યો નથી.

મોહન યાદવનું નામ જાહેર થયું ત્યારે છેલ્લી હરોળમાં બેઠા હતા

એમપીના નવા મુખ્યમંત્રીપદે મોહન યાદવના નામની જાહેરાત થઈ ત્યારે ધારાસભ્યોની બેઠકમાં એ સૌથી છેલ્લી હરોળમાં બેઠા હતા. ઉજ્જૈનથી ત્રણ વખત ધારાસભ્ય બનેલા આ નેતાએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે હું છેલ્લી હરોળમાં બેઠો હતો અને મારા નામનો પ્રસ્તાવ રજૂ થયો એ સાંભળીને હું ચોંકી ગયો હતો. આવું માત્ર ભાજપમાં જ થઈ શકે કે એક નાના કાર્યકરને મોટી જવાબદારી મળી શકે. તેમણે ભાજપ હાઈકમાન્ડનો આ જવાબદારી આપવા માટે તેમજ રાજ્યની ધૂરા આપીને વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માન્યો હતો. મધ્યપ્રદેશ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ એક કાર્યકરમાંથી નેતા બનેલા ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવ્યા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

યાદવે નલખેડાના બગલામુખી માતાના મંદિરે  હવન-પૂજા કરી હતી

મોહનલાલ યાદવ સીએમ બનશે તેવી દાદાશ્રીની આગાહી સાચી પડી

- મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે યાદવની પૂજાવિધિના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહનલાલ યાદવની પસંદગી કરાઈ છે. તેઓ મુખ્યમંત્રી બનશે એવી થોડો સમય પહેલા જ કરાયેલી આગાહી સાચી પડી છે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ તેઓએ ઉજ્જૈન નજીકના નલખેડામાં આવેલા બગલામુખી માતાના મંદિરે કરાવેલી ખાસ પૂજા અને હવનની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ છે. યાદવ ઉજ્જૈનની દક્ષિણની બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

રીલાયન્સ, બજાજ, અદાણી જેવા અને કોર્પોરેટ જૂથના માંધાતાઓ જેમની સૂચનાથી ખાસ પૂજા અર્ચના કરાવે છે તેવા દાદાશ્રીના સૂચના બાદ યાદવે પણ નલખેડાના બગલામુખી માતાના મંદિરમાં દિલિપ મહારાજ પાસે ખાસ હવન અને પૂજા અર્ચના કરાવી હતી. દાદાશ્રીએ એ સમયે પણ ભવિષ્ય ભાખ્યુ હતુ કે, આ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળશે અને મોહનલાલ યાદવ જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે. તેમની આગાહી સાચી પડી છે. અત્રે નોંધનીય છે કે, દાદાશ્રીના નામે ઓળખાતા આ સંત મુળ રાજસ્થાનના છે. તેમની પાસે મોટા ઉધોગપતિઓ પણ પૂજા હવન કરવવા આવે છે. ઉધોગપતિઓ પોતાના બંગલાઓમાં દાદાશ્રીની સૂચના મુજબ ખાસ પૂજા અર્ચના કરતા હોય છે. જેમાં ઘણીવાર તો કરોડો રૂપિયાનો ખર્ચ પણ થતો હોય છે. દાદાશ્રી ક્યારેય પોતાની પ્રસિદ્ધિ કરાવતા નથી. તેમના સાચા નામની પણ બહું ઓછા લોકોને જાણકારી છે.

થોડો સમય પહેલા લંડનથી આવેલા ત્યાંના પૂર્વ મંત્રી અને સાંસદ પ્રિતિ પટેલે પણ દાદાશ્રીની સૂચના મુજબ બગલામુખી માતાના મંદિરે પૂજા વિધિ કરાવી હતી. લંડન, અમેરીકા, દૂબઈ જેવા અનેક શહેરોમાંથી મોટા માણસો તેમના કહ્યા મુજબની પૂજા વિધિ કરાવતા હોય છે.


Google NewsGoogle News