VIDEO : વરસાદના કારણે ન ઉડી શક્યું શિવરાજસિંહનું હેલિકોપ્ટર, ગાડી પણ ખાડામાં ફસાઈ
Shivraj Singh Chouhan: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે (23 સપ્ટેમ્બર) ઝારખંડના બહરાગોડા અને ઘાટશિલામાં પાર્ટીની પરિવર્તન યાત્રાને સંબોધી હતી. આ દરમિયાન વરસાદે તેમના કાર્યક્રમોમાં અડચણ ઉભી થઇ હતી. કાર્યક્રમમાં જતી વખતે રસ્તામાં તેમની કાર ખાડામાં ફસાઇ ગઇ હતી. આ ઉપરાંત વરસાદના કારણે તેમના હેલિકોપ્ટરને પણ ઉડાન ભર્યા પછી ફરી પાછું લેન્ડ કરાવવું પડ્યું હતું, જે કારણસર તેઓ ઘાટશિલા ખાતેની સભામાં બે કલાક મોડા પહોંચ્યા હતા.
ખાડામાં ફસાઇ શિવરાજની કાર
બહરાગોડામાં હેલિપેડ સ્થળથી કાર્યક્રમમાં જતી વખતે કેન્દ્રીય મંત્રીની કાર બાયપાસમાં એક ખાડામાં ફસાઇ ગઇ હતી. જે પછી તેમને ચાલુ વરસાદમાં ગાડીમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. તેમના બોડીગાર્ડ્સે ખૂબ મુશ્કેલથી ગાડીને ખાડામાંથી બહાર નીકાળી હતી.
હેમંત સોરેન પર કર્યો પ્રહાર
વરસાદના કારણે શિવરાજ સિંહને ઘાટશિલા તેમજ મુસાબનીમાં તેમના કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. આ દરમિયાન શિવરાજ સિંહે ઝારખંડની હેમંત સોરેન સરકાર પર ભ્રષ્ટાચાર, ઘૂસણખોરોને સુરક્ષા પૂરી પાડવા અને ગરીબો-આદિવાસીઓના હિતો મુદ્દે પ્રહાર કર્યા હતા. ઉપરાંત રાજ્યની વર્તમાન સ્થિતિ પર સત્તા પરિવર્તનની આવશ્યકતા ગણાવી હતી.
અંધકાર હટશે, સુરજ નીકળશે
ઘાટશિલાની સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ દરમિયાન શિવરાજ સિંહે કહ્યું હતું કે, ભારે વરસાદ થઇ રહ્યું છે તો પણ તમે અહીં હાજર છો. આ જણાવે છે કે અંધકાર હટશે અને સુરજ નીકળશે, કમળ ખીલશે અને પરિવર્તન આવશે.
આ પણ વાંચોઃ હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, જાણો શું થયો વિવાદ
ઘૂસણખોરોને ભગાડવામાં આવશે
વધુમાં તેમણે કહ્યું કે, હું શપથ લઉં છું કે ઝારખંડમાં ઘૂસી આવેલા તમામ ઘૂસણખોરોને રાજ્યમાંથી ભગાડવામાં આવશે. હેમંત સોરેન વોટનું રાજકારણ કરી ઝારખંડનું સોદો કરી રહ્યા છે. હવે અહીંની માટી, દીકરી અને રોટીને ભાજપ સુરક્ષા આપશે.