VIDEO | 'ખેડૂતો લોન માફી માટે દુકાળની કામના કરે છે...' કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
શિવાનંદ પાટિલ સિદ્ધારમૈયા સરકારમાં શેરડી વિકાસ મંત્રી છે
તેઓ ઘણીવાર વિવાદિત નિવેદનો આપી ચર્ચામાં રહી ચૂક્યા છે
Shivanand Patil Karnataka Minister Remark on Farmer: કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં શેરડી વિકાસ મંત્રી શિવાનંદ પાટિલનું એક વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે કહેતા સંભળાય છે કે અહીંના ખેડૂતો દર વર્ષે દુકાળ પડે તેવી કામના કરે છે જેથી લોન માફ થઈ જાય.
શિવાનંદ પાટિલનું વિવાદિત નિવેદન
શિવાનંદ પાટિલે કહ્યું કે કૃષ્ણા નદીનું પાણી ખેડૂતોને મફતમાં મળે છે. આ ઉપરાંત વીજળી પણ ફ્રી છે. જુદા જુદા મુખ્યમંત્રીઓએ ખાતર અને બિયારણ પણ મફત આપ્યા. એવામાં હવે તેમની એક જ ઈચ્છા રહે છે કે ગમે તેમ કરીને દુકાળ પડી જાય જેથી તેમની લોન માફ થતી રહે.
વીડિયો વાયરલ થતાં ભાજપે તાક્યું નિશાન
વીડિયો વાયરલ થતાં જ ભાજપે કોંગ્રેસ સરકાર સામે નિશાન તાક્યું. ભાજપે કહ્યું કે સિદ્ધારમૈયા મંત્રીમંડળમાં મૂર્ખા ભરેલાં છે. કોંગ્રેસની ખેડૂતવિરોધી સરકાર ખેડૂતોની ક્રૂર મજાક બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેકવાર શિવાનંદ પાટિલ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વળતરમાં વધારો કરાયા બાદથી ખેડૂતોના આપઘાતના કિસ્સા વધી ગયા છે. જોકે તેમણે પછીથી આ નિવેદન પાછું ખેંચી લીધું હતું અને કહ્યું કે મારો ઉદ્દેશ્ય એવો નહોતો.