સિંધુદુર્ગમાં તૂટી પડી શિવાજી મહારાજની પ્રતિમા, ચેતવણી છતાં ન લેવાયા કોઈ પગલાં, ભષ્ટ્રાચારની આશંકા, કોન્ટ્રાક્ટર સામે FIR
Shivaji Maharaj Statue Collapse Controversy : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે દરિયાકિનારે ઊભી કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા 26 ઓગસ્ટ, સોમવારના રોજ તૂટી પડતાં વિવાદ થયો છે. પ્રતિમાનું અનાવરણ થયાને એક વર્ષ પણ પૂરું થયું ન હોવાથી એના નિર્માણમાં ભ્રષ્ટચાર થયો હોવાની ચર્ચા ઊઠી છે.
વડાપ્રધાને કર્યું હતું પ્રતિમાનું અનાવરણ
4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સોમવારે ફૂંકાયેલા ભારે પવનને કારણે પ્રતિમા તૂટી ગઈ હતી, જેને કારણે શિવાજી મહારાજને પૂજ્ય માનતા બહોળા વર્ગની લાગણી દુભાઈ છે.
એકથી વધુ ચેતવણી અપાઈ છતાં ન લેવાયાં કોઈ પગલાં
પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ પ્રતિમાની નબળી ગુણવત્તા અંગે દુર્ઘટના બની એ અગાઉ જ ફરિયાદ નોંધાવી હતી. એમણે કહ્યું હતું કે પ્રતિમાના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા નટ અને બોલ્ટ કાટ લાગેલા હતા. પ્રતિમાની મુલાકાતે આવતાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ પ્રતિમાની બગડતી હાલત અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. PWD માલવણ વિભાગના સહાયક ઈજનેર દ્વારા 20 ઓગસ્ટના રોજ પ્રતિમાની સ્થિતિ સારી ન હોવાની ચેતવણી આપી હોવા છતાં પણ અધિકારીઓએ કોઈ નિવારક પગલાં લીધા ન હતા.
ભ્રષ્ટાચારની આશંકા સાથે લાગ્યા આરોપ
દરિયાકિનારે ઊભી કરાયેલી પ્રતિમા 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે પડી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્ર સરકાર પર તૂટી પડી છે. વિપક્ષી નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે પ્રતિમા બનાવી ત્યારે ખ્યાલ નહોતો કે દરિયાકિનારે આટલી ઝડપે પવન ફૂંકાતો જ હોય છે? પ્રતિમાના નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનું સામે આવ્યા બાદ વિપક્ષોએ એમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષે એવો પ્રશ્ન પણ કર્યો હતો કે, નૌકાદળને આ પ્રકારની પ્રતિમાઓ બનાવવાનો અનુભવ નથી હોતો તો પછી આ પ્રોજેક્ટની મંજૂરી નૌકાદળને કોણે અને કયા આધાર પર આપી હતી?
કોણે શું કહ્યું?
પ્રતિમા તૂટી જવા બદલ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવીને એમને લાપરવાહ ગણાવી હતી અને આ દુર્ઘટનાને શિવાજી મહારાજનું અપમાન લેખાવી હતી.
રાષ્ટ્રીય જનતા દળ તરફથી એવો આક્ષેપ લગાવાયો કે આ ભાજપીઓ તો સન્માનનીય મહાપુરુષોની પ્રતિમાઓના નિર્માણમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં નથી ચૂકતા, ભ્રષ્ટાચાર અને દુષ્પ્રચાર ભાજપાના ડીએનએમાં છે.
રાજ્ય સરકારનું બચાવનામું કે બહાનાબાજી?
પ્રતિમા તૂટી જતાં આક્ષેપોથી ઘેરાયેલી મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે, આ પ્રતિમાની ડિઝાઇન અને નિર્માણ ભારતના નૌકાદળ દ્વારા કરવામાં આવ્યું હોવાથી એને થયેલા નુકશાન બદલ મહારાષ્ટ્ર સરકારને દોષ દેવો યોગ્ય નથી. PWD વિભાગે પ્રતિમાને કાટ લાગી રહ્યો હોવાની હકીકત નૌકાદળને લેખિતમાં જણાવી હતી, પણ એ બાબતે કોઈ પગલાં લેવાયા નહોતા.
સામે પક્ષે નિષ્ણાતો એવી દલીલ કરી રહ્યા છે કે નિર્માણ ભલે નૌકાદળે કર્યું હોય પણ પ્રતિમાની દેખરેખની જવાબદારી રાજ્ય સરકારની જ ગણાય, એ સારી રીતે થઈ હોત તો પ્રતિમા તૂટી ન પડી હોત.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર ચૂંટણી: ભાજપની ત્રીજી યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર મહોર
જવાબદારો સામે FIR અને તપાસના આદેશ
પ્રતિમાના પતનને કારણે સિંધુદુર્ગ પોલીસે કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ FIR નોંધી છે. બંને પર એકથી વધુ કલમો હેઠળ છેતરપિંડી, મિલીભગત અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને એની તપાસના આદેશ આપ્યા છે.
સમારકામ અને પુનઃસ્થાપન
શક્ય તેટલી વહેલી તકે પ્રતિમાના સમારકામ અને પુનઃસ્થાપન માટે પગલાં લેવા માટે નૌકાદળે એક ટીમ તૈનાત કરી દીધી છે. લોકોનો ગુસ્સો શાંત પાડવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ જેમ બને એમ જલ્દી પ્રતિમાની પુનઃસ્થાપનાનું વચન આપ્યું છે.