સિવાને મને ઇસરો ચીફ બનતા રોકવાનો પ્રયાસ કર્યો હતો : સોમનાથ

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
સિવાને મને ઇસરો ચીફ બનતા રોકવાનો પ્રયાસ કર્યો હતો : સોમનાથ 1 - image


- ઓટોબાયોગ્રાફીમાં ઇસરોના વર્તમાન ચીફનો પૂર્વ ચીફ પર ગંભીર આરોપ

- પુરતા પરીક્ષણો વગર ચંદ્રયાન-2 લોન્ચ કરાયું હોવાથી નિષ્ફળ રહ્યું સહિતના ઇસરો ચીફ સોમનાથનો દાવો

- ભારે વિવાદ સર્જાતા અંતે ઓટોબાયોગ્રાફી પ્રકાશિત નહીં કરવાનો સોમનાથનો નિર્ણય

નવી દિલ્હી : ચંદ્રયાન-૩ની સફળતા બાદ ઇસરોના ચીફ એસ. સોમનાથ સહિતના વૈજ્ઞાાનિકોના દેશ અને દુનિયામાં વખાણ થયા હતા. જોકે હવે ઇસરોના ચીફ સોમનાથ એક વિવાદમાં ઘેરાયા છે. સોમનાથે પોતાની ઓટોબાયોગ્રાફીમાં ઇસરોના જ પૂર્વ ચીફ કે. સિવન પર ગંભીર આરોપ લગાવ્યો છે. સોમનાથે દાવો કર્યો છે કે સિવને મને ઇસરોના ચીફ બનતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપો બાદ વિવાદ સર્જાયો છે.  

કે. સિવન જ્યારે ઇસરોના ચીફ હતા ત્યારે ચંદ્રયાન-૨ લોંચ કરાયું હતું જે નિષ્ફળ રહ્યું હતું, જે બાદ એસ. સોમનાથ ઇસરોના નવા ચીફ બન્યા હતા અને તેમની આગેવાનીમાં ચંદ્રયાન-૩ સફળ રહ્યું હતું. સોમનાથે પોતાની ઓટોબાયોગ્રાફી 'નિલાવુ કુડિચા સિમ્હંલ'માં આરોપ લગાવ્યાની સાથે સાથે અન્ય કેટલાક દાવા પણ કર્યા છે જેમાં ચંદ્રયાન-૨ની નિષ્ફળતા અંગે પણ કેટલાક ઉલ્લેખ કરવામાં આવ્યા છે. 

સોમનાથે પીટીઆઇ સાથે વાતચીતમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિને કોઇ સંસ્થામાં ટોચના સ્થાન પર પહોંચવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે, મારે પણ આવા પડકારોનો સામનો કરવો પડયો છે. મે મારા જીવનમાં સામે આવેલા પડકારો અંગે આ ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. મે કોઇ સામે વ્યક્તિગત ટિપ્પણી નથી કરી, ના તે કોઇની વિરૂદ્ધમાં લખાઇ છે. 

સાથે જ સોમનાથે એવો પણ દાવો કર્યો હતો કે ચંદ્રયાન-૨ મિશન એટલા માટે નિષ્ફળ રહ્યું કેમ કે તેને પુરુ કરવામાં વધુ ઉતાવળ કરવામાં આવી હતી. ચંદ્રયાન-૨ માટે જેટલા પરિક્ષણ થવા જોઇતા હતા એટલા નહોતા થયા. જેને કારણે ઉતાવળમાં તેને લોન્ચ કરાયું અને તે નિષ્ફળ રહ્યું.

 જે ભુલો કરવામાં આવી હતી તેને છુપાવવામાં પણ આવી હતી. જે છે તેવુ જ લોકોને બતાવવું જોઇએ, સત્ય લોકો સમક્ષ આવવું જોઇએ. તેનાથી સંસ્થાનમાં પારદર્શિતા આવે છે. તેથી મે આ ઓટોબાયોગ્રાફીમાં ચંદ્રયાન-૨ની નિષ્ફળતાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઓટોબાયોગ્રાફીમાં અન્ય એક ઉલ્લેખ ઇસરોના પૂર્વ વડા સિવન અંગે છે, જેમાં સોમનાથે દાવો કર્યો છે કે ઇસરોના અધ્યક્ષ બન્યા બાદ પણ સિવને વિક્રમ સારાભાઇ અંતરિક્ષ કેન્દ્રના ડાયરેક્ટરનું પદ નહોતુ છોડયું, મે આ પદની માગણી કરી હતી જોકે તેને ટાળી દેવાઇ હતી. નિવૃત થવાના બદલે સિવને કાર્યકાળ લંબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમના આ દાવા બાદ વિવાદ સર્જાતા સોમનાથે કહ્યું હતું કે તેઓ આ ઓટોબાયોગ્રાફીનું પ્રકાશન નહીં કરે.  


Google NewsGoogle News