સરકાર બન્યા પહેલા જ મહાયુતિમાં વિખવાદ, 'શિંદે' સેનાએ હવે અજિત પવાર સામે બાંયો ચડાવી
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિંદે સેનાના ધારાસભ્યએ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે રવિવારે દાવો કર્યો હતો કે જો અજિત પવારની એનસીપી મહાગઠબંધનનો ભાગ ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 90-100 બેઠકો મેળવી હોત.
મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીનો સમાવેશ થાય છે. અજિત પવાર જુલાઈ 2023માં શિંદે સરકારમાં જોડાયા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
અજીતદાદા વગર અમે 90-100 બેઠકો જીતી શક્યા હોત: પાટીલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાટીલે વાતચીતમાં કહ્યું કે, 'શિવસેના માત્ર 85 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમનું માનવું હતું કે જો અજિત પવારની એનસીપી ગઠબંધનનો ભાગ ન હોત તો પાર્ટી વધુ બેઠકો જીતી શકી હોત.'
શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે વધુ કહ્યું હતું કે, 'અમે માત્ર 85 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. અજીતદાદા વગર અમે 90-100 બેઠકો જીતી શક્યા હોત. શિંદેએ ક્યારેય પૂછ્યું નથી કે અજિત પવારની એનસીપીને તેમની સરકારમાં શા માટે સામેલ કરવામાં આવી.'
આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી પહેલાં જાણીતા શિક્ષક અવધ ઓઝા કેજરીવાલની હાજરીમાં AAPમાં સામેલ
એકનાથ શિંદેનું દિલ મોટું છે: શિવસેના ધારાસભ્ય
તાજેતરમાં જ જલગાંવ ગ્રામીણ બેઠક પરથી 59,000થી વધુ મતોથી ચૂંટણી જીતેલા ગુલાબરાવ પાટીલે કહ્યું, 'અમારા નેતા મોટા દિલના છે અને પરેશાન નથી. તેમણે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તેઓ એક યોદ્ધા છે જેને નિરાશ ન કરી શકાય. સીએમના નામ પર ભાજપ નિર્ણય કરશે અને સહયોગી પક્ષોના નિર્ણયને શિંદે ટેકો આપશે.'
મહાયુતિ અને એમવીએ વચ્ચે હતી ટક્કર
મહારાષ્ટ્રમાં, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની આગેવાની હેઠળની NCPનું મહાગઠબંધન કોંગ્રેસ, શિવસેના (UBT) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(SCP)થી બનેલા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી સાથે ટક્કર હતી. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.