ભાજપ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ! હવે શિંદેસેના અને અજિત પવાર જૂથે સામસામે બાંયો ચડાવી
Maharashtra Politics News : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની જીત થઈ હોવા છતાં ભાજપ મહામુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ચૂંટણીનું પરિણામ આવ્યાના 10 દિવસ વિતિ ગયા છે, તેમ છતાં હજુ સુધી મહાયુતિના સાથી પક્ષો વચ્ચે કેબિનેટનો ગૂંચવાળો ઉકેલાયો નથી. મળતા અહેવાલો મુજબ ગઠબંધનની ત્રણેય પાર્ટીઓ શિવસેના, એનસીપી અને ભાજપ વચ્ચે હજુ પણ મંત્રાલય વહેંચણી મુદ્દે પેચ ફસાયેલો છે. સૂત્રો મુજબ બંને પાર્ટીઓને જાહેર બાંધકામ વિભાગ, શહેરી વિકાસ અને નાણાં મંત્રાલય જેવા કેટલાક મંત્રાલયો જોઈએ. આ મામલે બંને પાર્ટીના નેતાઓમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. શિવસેનાના એક નેતાએ કહ્યું કે, અજિત દાદા સાથે ન હોત તો 100 બેઠકો જીતા ગયા હોત. આ નિવેદનનો એનસીપીએ પણ વળતો જવાબ આપ્યો છે.
‘NCP ગઠબંધનમાં ન હોત તો શિવસેના 100 બેઠકો જીતી જાત’
મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવાની દોડધામ વચ્ચે અજિત પવારની પાર્ટી NPC અને એકનાથ શિંદેની પાર્ટી શિવસેના વચ્ચે ખટપટ થઈ હોવાનું નિવેદનો પરથી લાગી રહ્યું છે. વાસ્તવમાં શિંદેના ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે કહ્યું કે, અમે માત્ર 85 બેઠકો પર ચૂંટણી લડી, જો અજિત પવાર ગઠબંધનમાં ન હોત તો શિવસેના 90-100 બેઠકો જીતી જાત.
એનસીપીએ પાટિલને આપ્યો જવાબ
અજિત પવારની એનસીપીએ જલગાવ ગ્રામીણથી 59,000 મતોના અંતરથી ચૂંટણી જીતનાર ગુલાબરાવ પાટિલને તિખા શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. એનસીપીના પ્રવક્તા સૂરજ ચવ્હાણે કહ્યું કે, ‘ગુલાબરાવ પાટિલે ગુલાબરાવ પાટિલની જેમ વાત કરવી જોઈએ. તેમણે તમામ ભાજપ સાંસદો તેમની પાર્ટી કારણે જીત્યા હોવાનું કહ્યું નથી, તે સૌભાગ્યની વાત છે.
વિવાદ બાદ છગન ભુજબળ મેદાનમાં ઉતર્યા
આ મામલે સામે આવ્યા બાદ છગન ભુજબળ પણ મેદાનમાં ઉતરી ગયા છે. તેમણે કહ્યું કે, જો તેઓ અમારી સાથે ન હોત તો અમે 100 બેઠકો હારી ગયા હોત. ત્રણે પાર્ટીઓએ જે નિર્ણય લીધા છે, તેનું પરિણામ મળ્યું છે. બીજીતરફ પાટિલે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી કહ્યું કે, એનસીપીએ મારા નિવેદનથી ગેરસમય ઉભી થઈ છે.
અજિત પવાર દિલ્હીમાં
મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ એવી સ્થિતિ ચાલી રહી છે કે, એકતરફ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે મહત્ત્વના વિભાગો માંગી રહ્યા છે, તો બીજીતરફ NCPના પ્રમુખ અજિત પવારે પણ મહત્ત્વના મંત્રી પદો માંગી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાના છે, જેમાં તેઓ 11 મંત્રી પદ માંગી શકે છે. તેઓ મહારાષ્ટ્રમાં સાત કેબિનેટ અને બે રાજ્યમંત્રી, કેન્દ્રમાં એક કેબિનેટ અને કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ પદની માંગણી કરી શકે છે. અજિત પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતા માટે રાજ્યપાલ પદ અને પ્રફુલ્લ પટેલ માટે કેન્દ્રમાં કેબિનેટ પદ ઈચ્છે છે.