મુંબઈ યુનિ.ની સેનેટ ચૂંટણીમાં 'ઉદ્ધવ સેના'એ તમામ બેઠકો જીતી, કહ્યું - 'આ ફક્ત શરૂઆત...'
Mumbai University Senate Election Results: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં તમામ બેઠકો પર જીત હાંસલ કર્યા બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો વિજય થવાનો દાવો કર્યો છે. શિવસેના (યુબીટી)ની યુવા શાખા ‘યુવા સેના’એ સેનેટ ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરતાં તમામ 10 બેઠકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને જંગી બહુમતી સાથે હરાવી હતી.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રીની બહાર પક્ષના ઉત્સાહી કાર્યકરોને સંબોધિત કરતાં આદિત્ય ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે, સેનેટ ચૂંટણી માટે મતદાન મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં પણ થયું છે. અને અહીં મેળલી જીત પક્ષનો પ્રભાવ દર્શાવે છે. આ તો માત્ર શરૂઆત છે, વિધાનસભામાં પણ આવી જ જીત હાંસલ કરવાની છે.
વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરાશે
યુવા સેનાના પ્રમુખ તથા વર્લીના વિધાયક આદિત્ય ઠાકરેએ વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરવાની જાહેરાત કરી છે. સિનેટ મુંબઈ યુનિવર્સિટીના ટોચના નિર્ણયો લેવામાં ભલામણ અને દેખરેખ રાખતી સંસ્થા છે. જેમાં શિક્ષકો, આચાર્યો અને કોલેજ મેનેજમેન્ટની સાથે સાથે રજિસ્ટર્ડ સ્નાતકોના પ્રતિનિધિઓ સામેલ હોય છે. જેમને યુનિવર્સિટીનું બજેટ પસાર કરવાનો અધિકાર છે.
અગાઉ જુલાઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પણ શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે મુંબઈ સ્નાતક નિર્વાચન ક્ષેત્રમાંથી જીત હાંસલ કરી હતી. સેનેટ ચૂંટણીમાં પણ જીતથી શિવસેનાનો આત્મવિશ્વાસ વધ્યો છે.