Get The App

I.N.D.I.A. બાદ મહાવિકાસ અઘાડીમાં પણ તિરાડ! ઉદ્ધવ સેનાનું BMC ચૂંટણી એકલા લડવાનું એલાન

Updated: Jan 11th, 2025

GS TEAM


Google News
Google News
I.N.D.I.A. બાદ મહાવિકાસ અઘાડીમાં પણ તિરાડ! ઉદ્ધવ સેનાનું BMC ચૂંટણી એકલા લડવાનું એલાન 1 - image


Shiv sena UBT announcement on BMC Election | શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે અમારો પક્ષ મહારાષ્ટ્રમાં સ્થાનિક એકમો એટલે કે BMCની આગામી ચૂંટણીઓ એકલા હાથે લડશે. પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ પાર્ટીને સંકેત આપ્યો હતો કે આ વખતે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના એકલા હાથે ચૂંટણી લડે. 

શું બોલ્યા સંજય રાઉત? 

પત્રકારો સાથે વાત કરતાં શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ રાઉતે કહ્યું કે 'I.N.D.I.A. બ્લોક' અને 'મહા વિકાસ આઘાડી' ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂરતું જ છે. ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તક મળતી નથી અને આ રાજકીય પક્ષોના સંગઠન વિકાસમાં અવરોધ રૂપ થાય છે. અમે મુંબઈ, થાણે, નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનો, જિલ્લા પરિષદો અને પંચાયતોમાં અમારી તાકાતના આધારે ચૂંટણી લડીશું. આ ચૂંટણીઓમાં અમે અમારા કાર્યકરોને તક આપીશું. 

કોંગ્રેસ નેતાને લીધા આડેહાથ 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVAની કારમી હાર બદલ આરોપ-પ્રત્યારોપમાં સંપડાયેલા કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર પર કટાક્ષ કરતા સંજય રાઉતે કહ્યું, 'જે લોકો સર્વસંમતિ અને સમાધાનમાં માનતા નથી તેમને ગઠબંધનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

કોંગ્રેસ વિશે શું બોલ્યા રાઉત? 

તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પછી I.N.D.I.A. બ્લોકની એક પણ બેઠક યોજાઈ નથી. સંજય રાઉતે કહ્યું, 'અમે I.N.D.I.A. બ્લોક માટે કોઓર્ડિનેટર પણ નિયુક્ત કરી શક્યા નથી. આ સારું ન કહેવાય. ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ તરીકે, બેઠક બોલાવવાની જવાબદારી કોંગ્રેસની હતી.

I.N.D.I.A. બાદ મહાવિકાસ અઘાડીમાં પણ તિરાડ! ઉદ્ધવ સેનાનું BMC ચૂંટણી એકલા લડવાનું એલાન 2 - image



Tags :