ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યાં સહયોગીઓ, હવે આ પક્ષે વિધાનસભામાં 100 બેઠકો માગી
Image : IANS |
Maharastra Politics | લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જ્યારથી આવ્યા છે ત્યારે ભાજપની મુશ્કેલી વધી ગઈ છે કેમ કે તેને બહુમતી નથી મળી અને તે એનડીએના સહયોગીઓના સહારે સત્તામાં તો બિરાજિત થઈ ગયું પરંતુ હવે આ સહયોગી પક્ષો દ્વારા અવારનવાર કરાતી માગોને કારણે તેની મુશ્કેલી સતત વધતી દેખાઈ રહી છે.
એકનાથ શિંદેની શિવસેનાએ કરી માગ
તાજેતરના મામલે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે તેમની પાર્ટીને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળવી જોઈએ.
મહારાષ્ટ્રમાં એનડીએમાં કોણ કોણ સામેલ?
ઉલ્લેખનીય છે કે શિવસેના મહાયુતિ ગઠબંધનનો એક ભાગ છે, જેમાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની NCP પણ સામેલ છે. રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અવિભાજિત શિવસેનાના 58માં સ્થાપના દિવસ નિમિત્તે શિંદે દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બુધવારે રાજ્યના પૂર્વ મંત્રી રામદાસ કદમે જણાવ્યું હતું કે, અમને ચૂંટણી લડવા માટે 100 બેઠકો મળવી જોઈએ અને અમે તેમાંથી 90 જીતીશું તેની અમે ખાતરી કરીશું.
NCP તરફથી પણ 80-90 બેઠકોની માગ થઇ હતી
મહારાષ્ટ્રના મંત્રી અને NCPના નેતા છગન ભુજબળે પણ તાજેતરમાં કહ્યું હતું કે તેમની પાર્ટીને રાજ્યની વિધાનસભા ચૂંટણી લડવા માટે 80-90 બેઠકો મળવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને રાજ્યમાં 17 બેઠકો જ મળી હતી અને આ એનડીએનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.
ફડણવીસે આપ્યો જવાબ...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પછીથી કહ્યું કે ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને રાજ્યની ચૂંટણીમાં તે જ સૌથી વધુ બેઠકો પર લડશે. જો કે ત્રણેય પક્ષોના નેતાઓની બેઠક અને ચર્ચા બાદ જ સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે તે પણ નક્કી છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિએ રાજ્યની 48 બેઠકોમાંથી 17 બેઠકો જીતી હતી. જેમાં ભાજપે 9, શિવસેનાને 7 અને એનસીપીએ 1 સીટ જીતી છે.