'આ સરકાર ગુજરાત ઈસ્ટ ઈન્ડિયા કંપની છે...', આતંકી હુમલા બાદ રાઉતના PM મોદી પર પ્રહાર
Terrorist Attack in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાને લઈને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, 'જ્યારે તેઓ શપથ લઈ રહ્યા હતા ત્યારે કાશ્મીરમાં 10 લોકો માર્યા ગયા હતા. તેમને જમ્મુ કાશ્મીર અને મણિપુરની ચિંતા નથી. આ સરકાર ગુજરાત ઈસ્ટ ઈન્ડિયા કંપની છે.'
આતંકી હુમલામાં 10 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં રવિવારે (નવમી જૂન) આતંકી શ્રદ્ધાળુઓની બસ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ બસ બેકાબૂ થઈ ગઈ અને ખાઈમાં પડી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સુરક્ષાદળો આતંકીઓને શોધવામાં વ્યસ્ત છે. હુમલામાં 2-3 આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે.
કોંગ્રેસ અધ્યક્ષે નિશાન સાધ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'X' પર લખ્યું કે, 'જ્યારે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર શપથ લઈ રહી હતી.ત્યારે ઘણાં દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારતમાં હાજર છે, આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકી હુમલામાં 10 ભારતીયોએ જીવ ગુમાવ્યો. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને તે આપણી રાષ્ટ્રીય સુરક્ષાનું ઈરાદાપૂર્વકનું અપમાન છે.' આ ઉપરાંત તેમમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સરકાર પીડિતોને તાત્કાલિક સહાય અને વળતર આપવા અપીલ કરી હતી.