મહારાષ્ટ્રના MLAનો વટ: પુત્રને બેંગકોક જતો રોકવા વિમાનને મરાવ્યો યુ ટર્ન, તંત્રના દુરુપયોગનો વિવાદ
Maharashtra Tanaji Sawant: શિવસેના નેતા તાનાજી સાવંતના કદ અને પ્રભાવથી તો અનેક લોકો વાકેફ છે. હાલમાં જ તાનાજીએ કંઈક એવું કર્યું, જેના કારણે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હોવાનો વિવાદ છંછેડાઈ ગયો છે. હકીકતમાં, મહારાષ્ટ્રના પરાંડા બેઠકથી વિજેતા શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય તાનાજી સાવંત પર પોતાના દીકરા ઋષિરાજને તેના મિત્રો સાથે બેંગકોક જવાથી રોકવા માટે પોલીસ તંત્ર અને કથિત રીતે પોતાની શક્તિના દુરૂપયોગ કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
શરૂઆતમાં સાવંતે દાવો કર્યો હતો કે, ઋષિરાજનું અપહરણ સોમવારે (10 ફેબ્રુઆરી) બપોરે થયું હતું. બાદમાં તાનાજી સહકાર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કથિત રીતે અપહરણની ફરિયાદ દાખલ કરવાનું દબાણ કર્યું. તેમણે પોલીસને જણાવ્યું કે, અપહરણકર્તા સાંજે આશરે 4:57 વાગ્યે નરહે વિસ્તારથી ઋષિરાજને ઉપાડી ગયા હતાં.
શિવસેનાના નેતા તાનાજી સાવંત પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેમણે પોતાના અધિકારોનો દુરૂપયોગ કરતાં પોલીસને પોતાની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યાં, જેથી પારિવારિક વિવાદના કારણે ઘરથી નીકળેલાં ઋષિરાજને રોકી શકાય. જ્યારે પુણે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ હરકતમાં આવી અને એરપોર્ટ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો, તો જાણવા મળ્યું કે, ઋષિરાજ પોતાના મિત્રો પ્રવીણ ઉપાધ્યાય અને સંદીપ વાસેકર સાથે બેંગકોક જવા ચાર્ટર્ડ પ્લેનથી રવાના થઈ ગયો છે. પુણે પોલીસે તુરંત કાર્યવાહી કરી અને વિમાનને સાંજે 7:30 વાગ્યે ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગની વ્યવસ્થા કરાવી અને તેને પુણે પરત લાવવામાં આવ્યો.
તાનાજીએ પિતાના વચનને પૂરુ કર્યું
તાનાજી સાવંતે પોતાના પિતાને ઋષિરાજને બેંગકોક ન જવા દેવાનું વચન આપ્યું હતું, જે પૂરુ કરવા માટે તેમણે સીધો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલને ફોન કર્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પહેલાં દીકરાની કારના ડ્રાઇવર સાથે વાત થઈ. આ દરમિયાન તાનાજીને જાણવા મળ્યું કે, ઋષિરાજ બેંગકોક જઈ રહ્યો છે. ડ્રાઇવરે તાનાજી સાવંતના દીકરા ઋષિરાજ સાવંતને પુણે એરપોર્ટ પર છોડ્યો હતો. શિવસેના નેતા અને પૂર્વ મંત્રી તાનાજી સાવંતે પારિવારિક વિવાદના કારણે ઘરેથી ભાગી રહેલાં પોતાના દીકરાને રોકવા માટે સરકારી મશીનરીનો આ રીતે દુરુપયોગનો વિવાદ છંછેડાઈ ગયો છે.
આ પણ વાંચોઃ અટકળોનો અંત: પંજાબમાં નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બેઠક બાદ કેજરીવાલનું મોટું નિવેદન
સમગ્ર મુદ્દે ઊભા થયાં સવાલ
સમગ્ર ઘટનાને લઈને સવાલ થઈ રહ્યો છે કે, જો ડ્રાઇવરે ખરેખર તાનાજી સાવંતને ઋષિરાજ વિશે એરપોર્ટ છોડ્યાની માહિતી આપી હતી, તો તેમણે અપહરણની ફરિયાદ દાખલ કેમ કરાવી? જો ઋષિરાજ ચાર્ટર્ડ પ્લેનથી યાત્રા કરી રહ્યો હતો, તો અધિકારીઓએ ઈમરજન્સી લેન્ડિંગનો આદેશ કેમ આપ્યો? ઋષિરાજ સાવંત વયસ્ક હતો, તો તેણે પોતાના પિતાને બેંગકોક જવાની જાણકારી કેમ ન આપી? શું તાનાજી સાવંતે ફક્ત દીકરાને બેંગકોક જતો અટકાવવા માટે પોતાની શક્તિ અને પોલીસથી લઈને તમામ મશીનરીનો દુરૂપયોગ કર્યો? આ સિવાય વિપક્ષે પણ શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે.