જમીન વિવાદમાં પોલીસની સામે જ ભાજપના ધારાસભ્યએ શિંદે જૂથના નેતાને 4 ગોળી ધરબી દીધી
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી
BJP And Shivsena Firing News | મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનમાં આ ઘટના બની હતી જ્યાં બે રાજકારણી અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા એકઠાં થયા હતા. ત્યારબાદ પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લઈ લીધા હતા.
મહેશ ગાયકવાડની હાલત ગંભીર
ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા. દરમિયાન બંને જૂથો વચ્ચેનો ઝઘડો વધી ગયો અને પોલીસ સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરી દીધો હતો.
શિંદે જૂથના અન્ય એક સમર્થક પણ ઘાયલ
આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ અને શિંદે સમર્થક રાહુલ પાટીલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે તરત જ રાત્રે 11 વાગ્યે ઉલ્હાસનગરની મીરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત નાજુક બનતા બંને નેતાઓને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ પર કુલ ચાર ગોળીઓ ચલાવી હતી.
+