પંજાબ : સુવર્ણ મંદિરમાં ગોળીબાર, પૂર્વ ડે.સીએમ સુખબીર બાદલ પર જીવલેણ હુમલાથી હડકંપ
Firing on Sukhbir Singh Badal | પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલને પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. તેમના પર શીખોના પવિત્ર સ્થળ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં જ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
હુમલાખોર પકડાયો, સુખબીર બાદલ સુરક્ષિત
માહિતી અનુસાર શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે તેઓ આ હુમલામાં હેમખેમ બચી ગયા હતા. અમૃતસરના સુવર્ણ મંદિરમાં સજા તરીકે રક્ષક તરીકેની ફરજ બજાવતી વખતે તેમના પર આ હુમલો કરાયો હતો. જોકે ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો.
હુમલાખોરની ઓળખ જાહેર કરાઈ
માહિતી અનુસાર ફાયરિંગ કરનારો હુમલાખોર પકડાઈ ગયો છે અને તેનું નામ નારાયણ સિંહ ચૌડા તરીકે જાહેર કરાયું છે. તે દલ ખાલસાનો કાર્યકર છે. તેણે જ્યારે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ત્યારે જ એક યુવકે તેને પકડી લીધો હતો જેના લીધે અકાલી દળના નેતા પર ગોળી ચાલતા ચાલતા રહી ગઇ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.