'એકનાથ હૈ તો સેફ હૈ...', શિંદેની શિવસેનાના નારાથી ભાજપને વાંધો, કહ્યું- 'ક્યાંની વાત ક્યાં જોડો છો'
Maharashtra CM News: મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવ્યા બાદ હવે મહાયુતિમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને મંથન ચાલી રહ્યું છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નામ પર ચર્ચા તેજ બની છે. બંને નેતાઓના સમર્થક પોતપોતાના દાવા રજૂ કરી રહ્યા છે. આ વચ્ચે શિવસેના(શિંદે)ની MLC મનીષા ફાયંદેએ એક પોસ્ટ કરી છે જેને લઈને રાજકારણ ગરમાયું છે.
તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'એકનાથ હૈ તો સેફ હૈ.' આના પર હવે મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. બાવનકુલેએ કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક કરવા માટે કહ્યું હતું કે 'એક હૈ તો સેફ હૈ.' તેમણે સમાજને એક કરવા માટે કહ્યું હતું. પરંતુ ક્યાંની વાત ક્યાં જોડવામાં આવી રહી છે."
આ પણ વાંચો : શિંદેને મુખ્યમંત્રી બનવું છે? શિવસેનાએ અજિત પવાર જૂથનો સંપર્ક કર્યો, એક કલાક ચાલી ચર્ચા
મહારાષ્ટ્રમાં ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ જનસભાઓને સંબોધિત કરતાં નારો આપ્યો હતો કે, 'એક હૈ તો સેફ હૈ.' આ નારાની સમગ્ર ચૂંટણીમાં ખૂબ ચર્ચા થઈ. જ્યાં વિપક્ષે ભાજપ પર નારા દ્વારા ધ્રુવીકરણ કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો, તો ભાજપને નારાથી ચૂંટણીમાં મોટો લાભ મળ્યો. હવે આ નારાને લઈને શિવસેના નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : જો શિંદે નહીં માને તો કઈ રીતે સરકાર બનાવશે ભાજપ? કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની રેસમાં એકનાથ શિંદે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસનું નામ છે. ભાજપ સમર્થક ઇચ્છે છે કે વધુ બેઠકો જીત્યા બાદ તેમની પાર્ટીના નેતાને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. તો શિવસેના(શિંદે)ના નેતા એકનાથ શિંદેને ફરી મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી મહાયુતિ તરફથી મુખ્યમંત્રી ચહેરા પર મહોર નથી લગાવવામાં આવી.