Get The App

ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના સૂર બદલાયા, શું કરશે ભાજપ?

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના સૂર બદલાયા, શું કરશે ભાજપ? 1 - image


Maharashtra CM: આજથી ચાર વર્ષ પહેલાં 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી માટે વિવાદ થયો અને રાજ્યની બે પ્રમુખ પાર્ટી ભાજપ અને શિવસેના એકબીજાથી અલગ થઈ ગયાં. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું કહેવું હતું કે, અમિત શાહે વચન આપ્યું હતું કે, જો સત્તા મળી તો બંને પક્ષના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જોકે, ભાજપે આ દાવાને સ્પષ્ટ રીતે નકારી દીધો અને કહ્યું કે, આવું કોઈ વચન આપવામાં જ નથી આવ્યું અને સ્વાભાવિક રીતે વધારે બેઠક ધરાવતી પાર્ટીને જ સત્તા મળવી જોઈએ. આ વિષય પર સંઘર્ષ એટલો બધો વધી ગયો કે, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો અને તેઓએ કોંગ્રેસ તેમજ એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ત્યારબાદ આશરે અઢી વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યાં. જોકે, ચાર વર્ષ બાદ ફરી શિવસેના અને ભાજપ વચ્ચે આવી તકરાર જોવા મળી રહી છે. પણ હાલ શિવસેનાના ભાગલા પડી ગયાં છે અને ઉદ્ધવ ઠાકરેની બદલે એકનાથ શિંદે ભાજપને પોતાના વચનોની યાદ અપાવે છે.

પાંચ વર્ષ બાદ ભૂતકાળનું પુનરાવર્તન?

આ ચૂંટણીના પાંચ વર્ષ વીતી ગયાં, શિવસેનાના બે ભાગલા પડી ગયાં, જેમાં ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ શિંદે સેનાએ શિવસેનાના નામે જ ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. ત્યારબાદ ફરી વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને તેના પરિણામ પણ સામે આવી ગયાં. જેમાં આ વખતે એકનાથ શિંદેની શિવસેનાને 57 બેઠક મળી છે. જોકે, ભાજપના ખાતામાં 132 બેઠકો આવી. હવે ફરી આ અલગ-અલગ પાત્રો સાથે એ જ વિવાદ મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના CM પદેથી એકનાથ શિંદેનું રાજીનામું, નવી સરકારના ગઠનની તૈયારીઓ તેજ

શિંદે સેનાએ કરી માગ

એકનાથ શિંદે સેના ઈચ્છે છે કે, મુખ્યમંત્રી તેમના જ હોય. પાર્ટીના નેતા એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે લાગી ગયા છે અને બિહારથી લઈને હરિયાણા સુધીના ઉદાહરણો આપી રહ્યા છે. એટલું જ નહીં એકનાથ શિંદેની શિવસેનાની ભાષા પણ હવે 2019ના ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી થઈ ગઈ છે. ચાર વર્ષ પહેલાં શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતનું કહેવું હતું કે, ભાજપે વચન આપ્યું હતું કે, અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બનશે. હવે શિંદે સેના પણ સંજય રાઉતની જેમ ભાજપને તેના વચન અને ગઠબંધન ધર્મ યાદ અપાવે છે.

ચૂંટણી પહેલાં લેવાયો હતો મુખ્યમંત્રીનો નિર્ણય

એકનાથ શિંદે પણ દાવો કરી રહ્યા છે કે, ભાજપે વચન આપ્યું હતું કે, જો સત્તા મળી તો મુખ્યમંત્રી શિવસેનામાંથી જ હશે. શિંદે સેનાના પ્રમુખનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બેઠકો કરવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે, જો સરકાર બનશે તો કોને કેટલી બેઠક મળી તે જોયા વિના એકનાથ શિંદેને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ શિંદેને મનાવવા પુત્રને ડેપ્યુટી CM બનાવશે ભાજપ? કેન્દ્રમાં પણ મળી શકે છે મોટું પદ

ભાજપે દાવાનો કર્યો ઈનકાર

વળી, ભાજપને તેનો જવાબ આપતા કહ્યું કે, અમિત શાહની હાજરીમાં મુંબઈમાં બેઠક થઈ હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે. હા, ચૂંટણી એકનાથ શિંદેની લીડરશીપમાં લડવામાં આવશે. તેમ છતાં મુખ્યમંત્રીનો નિર્ણય ચૂંટણી બાદ મળીને લેવામાં આવશે. ભાજપ નેતાએ કહ્યું કે, આ પ્રકારે નક્કી કરવામાં આવ્યું હતું કે, બાદમાં નિર્ણય લેવામાં આવશે, પહેલાંથી કંઈ નક્કી નહતું.


Google NewsGoogle News