Get The App

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ગાય 'રાજ્યમાતા' જાહેર, જાણો હવે પશુપાલકોને શું લાભ થશે

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ગાય 'રાજ્યમાતા' જાહેર, જાણો હવે પશુપાલકોને શું લાભ થશે 1 - image


Image Source: Twitter

Rajya Mata-Gomata: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. તે પહેલા હવે રાજ્યમાં મહાયુતિ ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવાર વાળી NCP સરકારે દેશી ગાયને 'રાજ્યમાતા'નો દરજ્જો આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, અમે આ નિર્ણય ગાયના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વને ધ્યાનમાં રાખી લીધો છે. આ અંગે છેલ્લા ઘણા દિવસોથી માગ કરવામાં આવી રહી હતી. 

રાજ્યના કૃષિ, ડેરી વિકાસ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગીતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય સારવાર પદ્ધતિ અને જૈવિક કૃષિ પ્રણાલીઓમાં ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વપૂર્ણ સ્થાનને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને 'રાજ્યમાતા ગૌમાતા' તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.'

ગાયના ઉછેર માટે મળશે સબસિડી

આ નિર્ણય અંગે વાત કરતાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, દેશી ગાયો આપણા ખેડૂતો માટે વરદાન છે. તેથી અમે તેમને રાજ્ય માતાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અમે ગૌશાળામાં દેશી ગાયોના ઉછેર માટે સબસિડી આપવાનો પણ નિર્ણય કર્યો છે. 

રાજ્ય પ્રાણી જાહેર કરવાની પ્રક્રિયા

ભારતના રાજ્યો માટે રાજ્ય પ્રાણીઓની પસંદગી પ્રજાતિઓની વિપુલતા, સંકટગ્રસ્ત સ્થિતિ, પ્રાદેશિક મૂળ સ્થિતિના આધારે કરવામાં આવે છે. રાજ્યના પ્રાણીઓની પસંદગીનો હેતુ સ્થાનિક પ્રજાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને લોકોમાં પ્રાણીઓ પ્રત્યે ગર્વની ભાવના ઉત્પન્ન કરવાનો છે. તેનાથી જાગૃતિ વધે છે અને સંરક્ષણને પ્રોત્સાહન મળે છે. જો કે, રાજ્ય પ્રાણી જાહેર કરવાની કોઈ ખાસ પ્રક્રિયા નથી.

રાજસ્થાનમાં 22 મે 1981ના રોજ ચિંકારાને રાજ્ય પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઊંટોની ઘટતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે 2014માં ઊંટને પણ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી જાહેર કરી દેવામાં આવ્યું હતું.

વિવિધ રાજ્યોના રાજ્ય પ્રાણી

આંધ્ર પ્રદેશનું રાજ્ય પ્રાણી કાળું હરણ છે. ઉત્તર પ્રદેશનું રાજ્ય પ્રાણી શીત પ્રદેશનું હરણ (બારહસિંગા) છે. બિહારનું રાજ્ય પ્રાણી બળદ છે. છત્તીસગઢનું રાજ્ય પ્રાણી જંગલી ભેંસ છે. દિલ્હીનું સત્તાવાર પ્રાણી નીલગાય છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહ છે. મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી ભારતીય વિશાળ ખિસકોલી છે. ઝારખંડનું રાજ્ય પ્રાણી ભારતીય હાથી છે.

ગાયને રાજ્યમાતા જાહેર કરવાથી શું ફેરફાર થશે?

ગાયને રાજ્ય પ્રાણીજાહેર કરવાથી કેટલાક ફેરફારો થઈ શકે છે, જેમાં ગાયોને બળજબરીથી ગર્ભવતી બનાવવી અથવા કૃત્રિમ બીજદાન કરવું ગેરકાયદેસર હોઈ શકે છે. અકુદરતી રીતે ગાયોનું દૂધ ઉત્પાદન વધારવું ગેરકાયદેસર હોઈ શકે છે. દૂધ ન આપતી ગાયોને કતલખાનામાં વેચનારાઓને કડકમાં કડક સજા થઈ શકે છે. ગાયોની સુરક્ષા માટે કડક કાયદો બનાવી શકાય છે. ગાયોને કતલખાને જતા અટકાવી શકાય છે. ગાયો પર અત્યાચાર અને ગૌહિંસા રોકવા કડક પગલાં લેવા સહિતની બાબતો સામેલ છે. 

ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાયને કામધેનુ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સરકાર પણ માને છે કે આ નિર્ણયથી ગૌહત્યા અને તસ્કરી પર અંકુશ આવશે. રાજ્યમાં ગાયોની સુરક્ષા અને સન્માન પણ વધશે.

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પર શું પડશે અસર

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય પાછળ રાજકીય અને સામાજિક દ્રૃષ્ટિકોણ પણ છે. ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી અને તેને લઈને આંદોલન પણ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયને મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. આગામી મહિને તારીખોનું એલાન થઈ શકે છે. 

આ નિર્ણયની અસર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં મહાયુતિ સરકાર જનતાને રીઝવવામાં કોઈ કસર નથી છોડી રહી. સરકારે આ નિર્ણયથી હિંદુ સંગઠનોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.


Google NewsGoogle News