શિમલા મસ્જિદ વિવાદમાં કોંગ્રેસમાં ઘમસાણ: સુખ્ખુ સરકારથી મોવડી મંડળ નારાજ
Shimla Mosque Controversy : શિમલાના સંજોલી મસ્જિદ વિવાદ પર કોંગ્રેસમાં ભારે ઘમસાણ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલે સરકારના ગેરવહિવટના કારણે ભાજપને વિવાદ ઉભો કરવાની તક મળી છે અને આ કારણસર મોવડી મંડળ સુખ્ખુ સરકારથી નારાજ થયું છે. જો કે, સીએમ સુખ્ખુએ મોવડી મંડળને આશ્વાસન આપ્યું છે કે, સ્થિતિ સામાન્ય બનાવવા યોગ્ય પગલાં લેશે. હકિકતમાં, જે મસ્જિદ મુદ્દે વિવાદ ચાલી રહ્યું છે, તે આઝાદી સમયની મસ્જિદ છે. પાછલા દિવસોમાં બે સમુદાયો વચ્ચે લડાઇ બાદ હિન્દુ સંગઠન આ મસ્જિદને ગેરકાયદે ગણાવી તોડવાની માંગ કરી રહ્યા છે. જો કે, મુસ્લિમ પક્ષે મસ્જિદને કાયદેસર અને વક્ફ બોર્ડની સંપત્તિ ગણાવી છે.
રાજ્યનું રાજકારણ ગરમાયું
નોંધનીય છે કે, સંજોલી મસ્જિદ વિવાદ પર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. સરકારના મંત્રીઓમાં જ આ અંગે બે મત દેખાઇ રહ્યા છે. હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ મંત્રી અનિરુદ્ધ સિંહે આ અંગે કહ્યું કે, 'આ મસ્જિદ સરકારી જમીન પર બની છે અને આ કેસ પાછલા 14 વર્ષથી કોર્ટમાં વિચાર હેઠળ છે.' જો કે, રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુએ કહ્યું હતું કે, 'વિવાદ પર ન્યાયતંત્ર પોતાનું કામ કરશે.' રાજ્ય સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, 'કોઇ પણ આરોપીને કોઇ છુટ આપવામાં આવશે નહીં. બંધારણની ઉપર કોઇ નથી અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ કાયદાકીય માપદંડ મુજબ જ કરવામાં આવશે.'
મસ્જિદ ગેરકાયદેસરઃ જયરામ ઠાકુર
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે, આ મસ્જિદ ગેરકાયદેસર છે, સરકારી જમીન પર બનેલી છે. ગામમાં વિવાદ થયો ત્યારે આ ઘટના સામે આવી. આરોપીઓએ આ મસ્જિદમાં આશ્રય લીધો હતો. 300થી વધુ લોકો ઘટનામાં સામેલ હતા, પરંતુ અત્યાર સુધી કોઇની પણ ઓળખ થઇ નથી. આ એક ચિંતાજનક વિષય છે.
પોલીસે કર્યો હતો લાઠીચાર્જ
મસ્જિદ વિવાદ પર બુધવારે (11 સપ્ટેમ્બર) પ્રદર્શનો ઉગ્ર બની ગયા હતા. પરિસ્થિતિને કાબુમાં કરવા મસ્જિદ તરફ વધી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેનાથી લોકો ભડકી ઉઠ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરાયો છે. જે પછી શિમલા વેપાર સંગઠને ગુરુવારે બંધનું એલાન કર્યું હતું.