શિમલામાં મસ્જિદ વિરુદ્ધ હિંદુ સંગઠનોનો વિરોધ વકર્યો, બેરિકેડ્સ તોડ્યા, પોલીસનો લાઠીચાર્જ
Image: Facebook
Shimla Sanjauli Mosque Case: હિમાચલ પ્રદેશમાં મસ્જિદના કથિત ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા હિંદુ સંગઠન હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા છે અને મસ્જિદની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બેરિકેડ્સ તોડ્યા બાદ આગળ વધી રહેલી ભીડ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે.
આ મુદ્દે કોંગ્રેસના સીનિયર નેતા અને હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તમામને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ કોઈ એવી સ્થિતિ ન બને જેનાથી પ્રદેશની શાંતિ ડહોળાય. આ સમગ્ર મામલો કોર્ટમાં છે. પ્રદેશનો લો ઍન્ડ ઑર્ડર ખરાબ કરવા દેવામાં આવશે નહીં. જો આ સ્થળ ગેરકાયદેસર સાબિત થયું તો કાર્યવાહી થશે અને કાયદા હેઠળ તેને ધ્વસ્ત કરાશે. શિમલાના સંજોલી વિસ્તારમાં કાયદો અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં જિલ્લા તંત્રએ સંજોલીમાં કલમ 163 લાગુ કરી દીધી છે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂના મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ગેરકાયદેસર નિર્માણનો મુદ્દો છે, તેને મસ્જિદ વિવાદ સાથે જોડવો જોઈએ નહીં. લોકોએ આ મુદ્દે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે. આજના માટે જે આહ્વાન કરવામાં આવ્યું હતું તે માટે તંત્ર અને પોલીસ સંપૂર્ણરીતે તૈયાર છે જેથી શાંતિ જળવાઈ રહે. અમે પહેલા જ કલમ 163 લાગુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે હિંદુ સંગઠનોની માગ છે કે મસ્જિદનું ગેરકાયદેસર નિર્માણ તોડવામાં આવે. ગત દિવસોમાં મલ્યાણામાં બન્ને સમુદાયોની વચ્ચે થયેલી લડત બાદ આ મામલો ભડકી ઉઠ્યો હતો.
પ્રદર્શનકારીઓએ કર્યો ચક્કાજામ
સંજોલી મસ્જિદ વિવાદમાં ઘણા હિંદુ સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. મોટી સંખ્યામાં એકત્ર પ્રદર્શનકારીઓએ ચક્કાજામ કર્યો છે. કમલ ગૌતમ સહિત બે લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. કમલ ગૌતમ મસ્જિદની પાસે જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
સંજોલીમાં કલમ 163 લાગુ
આ વિસ્તારમાં સામાન્ય જનજીવન સરળ રીતે રહેશે. જિલ્લા મેજીસ્ટ્રેટ અનુપમ કશ્યપે જણાવ્યું કે સંજોલીમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023ની કલમ 163 હેઠળ શક્તિઓનો ઉપયોગ કરતાં આદેશ આપવામાં આવ્યો છે. જે હેઠળ જિલ્લાના સંજોલી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની દૃષ્ટિએ 5 કે 5થી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.
સ્કૂલ, કાર્યાલય અને બજાર ખુલ્લા રહેશે
સ્કૂલ, સરકારી અને ખાનગી કાર્યાલય, બજાર પૂર્ણ રીતે ખુલ્લા રહેશે. સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડશે નહીં. વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે તંત્ર કડક પગલાં ઉઠાવવા માટે પ્રયત્નશીલ છે.
પરવાનગી વિના ધરણાં કરી શકાશે નહીં
સંજોલી વિસ્તારમાં પરવાનગી વિના કોઈને પણ ધરણા પ્રદર્શન, સૂત્રોચ્ચાર, ભૂખ હડતાળ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. હૉસ્પિટલ, કોર્ટ, શિક્ષણ સંસ્થા અને જાહેર સ્થળો પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. આ દરમિયાન સાંપ્રદાયિક, રાષ્ટ્ર, રાજ્ય વિરોધી સૂત્રોચ્ચાર, દીવાલ લેખન, પોસ્ટર વગેરે પર પણ પૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે.
આ વિસ્તારમાં કલમ 163 લાગુ
આ આદેશ નવ બહાર ચોકથી ઢલી ટનલના ઇસ્ટર્ન પોર્ટલ, આઈજીએમસીથી સંજોલી ચોક, સંજોલી ચોકથી ચલૌંઠી, ઢલી (વાયા સંજોલી ચલૌંઠી જંક્શન) વિસ્તારમાં બુધવારે સવારે 7:00 વાગ્યાથી રાત્રે 11:59 વાગ્યા સુધી જારી રહેશે.
આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ
પાંચ લોકો એક સ્થળ પર એકત્ર થશે નહીં.
કોઈ પ્રકારનું હથિયાર કે ઓજાર લઈને ચાલવા પર પ્રતિબંધ રહેશે.
રેલી કે જુલૂસ પરવાનગી વિના થઈ શકશે નહીં, પરિવહન પ્રતિબંધિત નથી.
જાહેર સ્થળો પર મશાલ કે મીણબત્તી સળગાવવા પર પણ પ્રતિબંધ.
કોઈપણ પ્રકારની તાલીમ પર પ્રતિબંધ રહેશે, આમાં લાઠી ચલાવતાં શીખવું પણ સામેલ છે.
રસ્તા અને ગલીઓમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ.
પથ્થર ફેંકવા અને વાંધાજનક સામાન રાખવો અને કોઈ પણ સ્થળ પર એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે.
લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે.
ભડકાઉ ભાષણ, સૂત્રલેખન અને દીવાલ લેખન પર પણ પ્રતિબંધ રહેશે.