કુનો નેશનલ પાર્કમાં વધુ એક માદા ચિતા દક્ષાનું મોત, દોઢ મહિનામાં ત્રીજું મૃત્યુ, મેનેજમેન્ટ પર ઉઠ્યા સવાલ
2 નર ચિત્તાઓએ હુમલો કરતા માતા ચિતા દક્ષાનું મોત
દોઢ મહિનામાં કૂનોમાં આ ત્રીજા ચિતાનું મોત
શ્યોપુર, તા.9 મે-2023, મંગળવાર
મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો પાલપુર નેશનલ પાર્કમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં વધુ એક માદા ચિતાનું મૃત્યુ થયું છે. વન વિભાગે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. માદા ચિત્તાને દક્ષિણ આફ્રિકાથી લવાઈ હતી. દોઢ મહિનામાં ત્રીજા ચિત્તાનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. 3 ચિત્તાનું મૃત્યુ નિપજતા હવે ચિત્તાઓની સંખ્યા 17 રહી છે.
2 નર ચિત્તાઓએ હુમલો કરતા માદા ચિતા દક્ષાનું મોત
આ વખતે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી દક્ષા નામની માદા ચિતાનું મૃત્યુ થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચિત્તાઓ વચ્ચેની લડાઈમાં દક્ષાનું મૃત્યુ થયું છે. 2 નર ચિત્તાઓએ તેના પર હુમલો કર્યો, જેમાં દક્ષાનું મોત થયું છે. દોઢ મહિનામાં કૂનોમાં આ ત્રીજા ચિતાનું મોત થયું છે. PCCF જે.એસ.ચૌહાણે ચિતાના મોતની પુષ્ટિ કરતી પ્રેસ નોટ જારી કરી છે. આટલા ઓછા સમયમાં ત્રીજા દીપડાના મોતથી જવાબદારોની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
ગત એપ્રિલમાં ચિતા ‘ઉદય’ અને ‘સાશા’નું થયું હતું મોત
ગત એપ્રિલમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા ‘ઉદય’નું મોત થયું હતું. ચિત્તા ઉદય બિમાર હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તો 5 વર્ષની માદા ચિત્તા સાશાનું પણ એપ્રિલમાં મોત થયું હતું. સાશાની કિડની ખરાબ હોવાથી તેનું મોત થયું હતું.
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ અધિકારીએ ગત એપ્રિલમાં દાવો કર્યો હતો કે, મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી. ઘટના એવી છે કે એક મહિનામાં 2 ચિતાઓના મૃત્યુને લઈને ચિતાની રેખાઓ દોરવા લાગી છે. આ નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 487 ચોરસ કિલોમીટર બફર ઝોનમાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ચિત્તાને તેના હલનચલન માટે લગભગ 100 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે. WII ના ભૂતપૂર્વ ડીન યાદવેન્દ્રદેવ વિક્રમસિંહ ઝાલાએ કહ્યું કે, કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલા ચિતાઓ માટે પૂરતી જગ્યા નથી. કુનો નેશનલ પાર્કમાં ખેતીનો ભાગ, જંગલી રહેઠાણ અને વિસ્તારની અંદર રહેતા અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેઓએ એ પણ સૂચવ્યું કે મેટાપોપ્યુલેશન તરીકે સંચાલિત બહુવિધ વસ્તી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે, જ્યાં પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે.