કાશ્મીરની ચૂંટણીનું આખું દૃશ્ય જ બદલી નાખશે આ વ્યક્તિ! મોટી-મોટી પાર્ટીઓનો પરસેવો છૂટ્યો
Image: IANS |
Jammu Kashmir Assembly Election 2014: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર સૌ કોઈની નજર છે, પરંતુ ખીણના તમામ પક્ષોની નજર દિલ્હીની એક કોર્ટ પર છે. જે બુધવારે લોકસભા ચૂંટણીમાં બારામુલામાંથી જીતેલા રાશિદ એન્જિનિયરની જામીનની સુનાવણી પર છે. જો રાશિદને કોર્ટમાંથી જામીન મળી ગયા, તો કાશ્મીરમાં ચૂંટણીનું વલણ બદલાઈ જશે.
2017ના આતંકી ફંડિંગ મામલે રાશિદ એન્જિનિયર જેલમાં બંધ છે. પરંતુ તેમના પક્ષ આવામી ઇત્તેહાદે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. રાશિદની આ જાહેરાત ખીણના તમામ પક્ષો માટે માથાનો દુઃખાવો બની છે. રાશિદ એન્જિનિયરે જમ્મુ અને કાશ્મીરની તમામ 90 બેઠકો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.
કોણ છે રાશિદ એન્જિનયિર?
રાશીદ એન્જિનિયર 2019થી જેલમાં છે. તેનું સાચું નામ શેખ અબ્દુલ રાશિદ છે. 2024ની ચૂંટણીમાં રાશિદ એન્જિનિયરે પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. રાશિદ એન્જિનિયર ઉત્તર કાશ્મીરની રાજનીતિમાં એક મોટું નામ છે. તેઓ આ પહેલાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. છેલ્લા 5 વર્ષથી UAPA હેઠળ દિલ્હીની તિહાર જેલમાં બંધ શેખ રાશિદ આવામી ઇત્તેહાદ પક્ષના સ્થાપક છે. વર્ષ 2019માં NIAએ ટેરર ફંડિંગ કેસમાં રાશિદ એન્જિનિયરની ધરપકડ કરી હતી. રાશિદે 2019ની ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી હતી, પરંતુ જીતી ન હતી.
આ પણ વાંચોઃ બંગાળમાં બંધના એલાન વચ્ચે હિંસા, ક્યાંક ફાયરિંગ તો ક્યાંક ભાજપ-ટીએમસી કાર્યકરો બાખડ્યાં
રાશિદ એન્જિનિયરનો જન્મ હંદવાડાના લચ માવરમાં થયો હતો. શ્રીનગરથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર રાશિદે 25 વર્ષ સુધી સરકારી વિભાગમાં એન્જિનિયર તરીકે કામ કર્યું. 2003થી, રાશિદે ઉર્દૂ સાપ્તાહિક અખબાર ચટ્ટનમાં રાજકીય મુદ્દાઓ પર લખવાનું શરુ કર્યું. રાશિદ તેમના પરિવારમાંથી રાજકારણમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ છે.
રાશિદની રાજનીતિમાં એન્ટ્રી
શેખ રાશિદની રાજનીતિમાં એન્ટ્રી 2008ની વિધાનસભા ચૂંટણીથી થઈ હતી. તેઓ કુપવાડાના લંગેટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 2013માં રાશિદે આવામી ઇત્તેહાદ પક્ષની રચના કરી હતી. 2014ની ચૂંટણીમાં તેઓ ફરી જીત્યા. જો કે આ વર્ષે લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ધારાસભ્ય બન્યા બાદ પણ રાશિદ પોતાની નાની કારમાં સુરક્ષા વગર આવતા હતા. 2015માં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં તેમની સાથે ઝપાઝપી થઈ હતી. 2015માં દિલ્હી પ્રેસ ક્લબમાં તેમના પર શાહી ફેંકવામાં આવી હતી.
ટેરર ફંડિંગ કેસ
શેખ રાશિદ 2019થી જેલમાં છે. કથિત આતંકવાદી ભંડોળના કેસમાં તેઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 હેઠળ આરોપી છે. કાશ્મીરી બિઝનેસમેન ઝહૂર વટાલીની તપાસ દરમિયાન રાશિદ એન્જિનિયરનું નામ સામે આવ્યું હતું. NIA દ્વારા ખીણમાં આતંકવાદી જૂથો અને અલગતાવાદીઓને કથિત રૂપે આર્થિક મદદ કરવા બદલ વટાલીની ધરપકડ કરવામાં આવી હતી.