શશી થરુરની આગાહી: ભાજપ જ સૌથી મોટો પક્ષ બનશે
- કર્ણાટકમાં ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણી નહીં લડે
- શશી થરુરની આગાહી : ભાજપ જ સૌથી મોટો પક્ષ બનશે, શક્ય એટલી બેઠકો પર સહમતિ સાધવાની સલાહ
નવી દિલ્હી : કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગે સહિત કેટલાક દિગ્ગજ નેતા ચૂંટણી લડશે નહીં તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસી સાંસદ શશી થરૂરે આગાહી કરી છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવશે. થરૂરે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે ભાજપની બેઠકોને નોંધપાત્ર સંખ્યામાં મર્યાદિત રાખીને અને તેના સાથી દળોને એનડીએથી દૂર કરીને ભાજપને એકલો પાડીને કેન્દ્રમાં સત્તાથી વંચિત રાખી શકાય છે. થરૂરે ગઠબંધનના દળોને વહેલી તકે શક્ય હોય તેટલા રાજ્યોમાં બેઠકોની વહેંચણી કરી લેવાની સલાહ આપી છે.
૮૧ વર્ષના મલ્લિકાર્જુન ખડગે અને એચ ડી દેવેગોડા બંને ૨૦૧૯માં લોકસભા ચૂંટણી હારી ગયા હતાં. ખડગે કાલાબુરગી અને દેવેગોડા તુમાકુરુ બેઠક પરથી હારી ગયા હતાં. ત્યારબાદ આ બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતાં. હવે બંને નેતાઓએ વધતી ઉંમરનું કારણ દર્શાવીને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબુ્રઆરીમાં ભાજપ નેતા યેદિયુરપ્પાએ પણ રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભાજપ સાંસદ શ્રીનિવા પ્રસાદ, જીએસ સાસવારાજુએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. બીજી તરફ ૭૦ વર્ષીય ડી વી સદાનંદગોડા, ૭૧ વર્ષીય રમેશ જિગાજિનાગી અને ૭૧ વર્ષીય જીએમ સિદ્દેશ્વરા ચૂંટણી લડશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી.
ભાજપની આગેવાની હેઠળના એનડીએની ૨૦૧૯ લોકસભામાં ૩૦૩ બેઠકો હતી અને હવે આગામી ચૂંટણીમાં ૪૦૦થી વધુ બેઠકો જીતવાનું તેનું લક્ષ્યાંક છે. ભાજપને પડકાર આપવા કોંગ્રેસ અને અન્ય ૨૭ વિરોધી પક્ષોએ ગઠબંધન રચ્યું છે.
થરૂરે સલાહ આપી છે કે ગઠબંધન પૂરતા રાજ્યોમાં બેઠકોની વહેંચણી કરે તો કેટલીક બેઠકો પરના પરાજય નિવારી શકાય. કેટલીક બેઠકોમાં વધુ મતભેદો હોય તો કદાચ ભાજપના ઉમેદવાર જીતી શકે પણ એનું જ નામ તો લોકશાહી છે.
થરૂર કબૂલ કરે છે કે કેરળમાં સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી શક્ય નથી. જો કે તમિલ નાડુમાં સીપીઆઈ, સીપીઆઈ(એમ), કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે ગઠબંધન છે અને શક્ય છે કે તેઓ આ ચૂંટણી પણ સાથે મળીને લડે.
આઈએનડીઆઈ ગઠબંધનના દળો વચ્ચે અનેક રાજ્યોમાં બેઠકોની વહેંચણી બાબતે વાટાઘાટ ચાલી રહી છે પણ રાજકીય હરિફાઈને કારણે સહમતિ નથી બની રહી. બંગાળમાં મમતા બેનર્જીનો દાવો છે કે માત્ર તેનો પક્ષ જ ભાજપને હરાવી શકે, જ્યારે કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરીએ દાવો કર્યો છે તે મમતાએ કોંગ્રેસને માત્ર બે જ બેઠકોની ઓફર કરી છે. પંજાબ અને દિલ્હીમાં પણ કોંગ્રેસ અને આપ વચ્ચે કટ્ટર હરિફાઈ છે પણ બેઠકોની વહેંચણી નથી કરવી તેવા શાબ્દિક પ્રહાર પછી બંને જણા નરમ પડયા છે અને કોંગ્રસના ચીફ મલ્લિકાર્જુન ખરગેને ગઠબંધનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે તો બીજી તરફ નિતીશે ગઠબંધનના કન્વીનર બનવાનો નનૈયો ભણી દીધો છે.