શશી થરૂરે દર્શાવ્યો GDPનો અર્થ : લોકસભા ચૂંટણી પરિણામો અંગે કહ્યું : 'પિક્ચર' તો હજી બાકી રહ્યું છે

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
શશી થરૂરે દર્શાવ્યો GDPનો અર્થ : લોકસભા ચૂંટણી પરિણામો અંગે કહ્યું : 'પિક્ચર' તો હજી બાકી રહ્યું છે 1 - image


- અંતરિમ બજેટ - મોદી સરકારનું આખરી બજેટ બની રહેશે

- સરકાર મંદિરો રચવા માટે ચૂંટાતી નથી, જનતાનાં જીવનમાં સુધારો કરવા માટે ચૂંટવામાં આવે છે : કોંગ્રેસના આ નેતાએ કહ્યું

નવી દિલ્હી : થિરૂવનંથપુરમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ ખ્યાતનામ અર્થશાસ્ત્રી તેવા શશી થરૂરે આજે પત્રકારોને કરેલા સંબોધનમાં, અંતરિમ- બજેટ તેમજ મોદી સરકાર ઉપર પ્રચંડ પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે : આગામી લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર મુદ્દો બની રહેશે તેમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. તે સાથે અબુધાબીમાં પણ રચાયેલા મંદિરનો મુદ્દો જોડાશે જ. પરંતુ સાચી વાત તો તે છે કે, સરકારો મંદિરો બાંધવા માટે ચૂંટાતી નથી, સરકારે સામાન્ય જનતાનાં જીવનમાં સુધારો કરવા માટે ચૂંટવામાં આવે છે.

વિત્ત મંત્રી સીતારામને ગુરુવારે અંતરિમ બજેટ રજૂ કર્યું તે ઉપરથી સ્પષ્ટ બની જાય છે કે હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે. તેમ કહેતાં થરૂરે જણાવ્યું કે, ભાજપ તેમ માનીને ચાલે છે કે, એક વાર ફરીથી તે સત્તા ઉપર આવશે, પરંતુ તે દાવો જ વ્યર્થ છે. પિકચર તો હજી બાકી છે. આ અંતરિમ બજેટ મોદી સરકારનું આખરી બજેટ બની રહેશે.

વિત્ત મંત્રીએ જીડીપીનું અર્થઘટન બદલીને કહ્યું હતું કે, જીડીપી એટલે, 'ગવર્નન્સ, ડેવલપમેન્ટ એન્ડ પરફોર્મન્સ' તેવું થરૂરે તદ્દન વિરોધાભાસી અર્થઘટન કરતાં કહ્યું : 'જીડીપી એટલે 'ગર્વમેન્ટલ ઇંટ્રૂઝન એન્ડ ટેક્ષ ટેરરિઝમ' (સરકારી ઘૂસપેઠ અને ટેક્ષ આતંકવાદ) 'ડી' એટલે ડેમોગ્રાફિક- વિટ્રેયલ (જન સાંખ્યાકીય વિશ્વાસઘાત) અને પી એટલે પોવર્ટી એન્ડ રાઇઝીંગ ઇન ઇકવોલિટી. (ગરીબી અને વધી રહેલી અસમાનતા).

આ સાથે પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમાં તેઓએ બજેટને નિરાશાજનક કહ્યું સાથે ટીકા પણ કરી કે, વિત્ત મંત્રીનાં પ્રવચનમાં બેકારીનો તો કોઈ ઉલ્લેખ જ કરાયો નથી.

આ સાથે સરકાર પર ઉગ્ર પ્રહારો કરતા, આ વિદ્વાન અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રીએ કહ્યું હતું કે, સામાન્ય માનવીનાં જીવનમાં સુધારો કરવાનાં ક્ષેત્રે સરકારને એફ-ગ્રેડ (ફેલ્યોર ગ્રેડ) મળે છે.મુદ્રા સ્થિતિ (ફુગાવો) વિશેષત: ખાદ્ય પદાર્થોના ભાવમાં થતો વધારો એટલો આંચકાજનક છે કે, નીચેના સ્તરમાં રહેલા ૨૦ ટકા લોકો તો તે ખરીદવામાં અસમર્થ જ છે. જે તેઓ એક બે વર્ષ પહેલા ખરીદી શકતા હતા. આ સામાન્ય ભારતીયોનાં જીવનની વાસ્તવિકતા છે. તેથી જ સરકાર ઇચ્છે છે કે, લોકો રામ મંદિરનાં નામે ગર્વ કરે, મત આપે અથવા બાલાકોટ, પુલવા માની ઘટનામાં પાકિસ્તાન પર કરેલા પ્રહારોનાં નામે મત આપે.

શશી થરૂરે વધુમાં કહ્યું : આ વખતે, સરકાર, રામ મંદિર અને અબુધાબીમાં મંદિરના મુદ્દાઓ જોડશે જ. તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ, ભાજપ માને છે કે ૨૦૨૪ના પરિણામો તો પહેલેથી જ નિશ્ચિત થઈ ચૂકયાં છે તે યોગ્ય નથી. પિકચર તો હજી બાકી છે. થિરૂવનંતથ પુરમના આ સાંસદે વધુમાં કહ્યું, મત ગણના હજી બાકી છે. વિપક્ષો પાસે હજી સમય છે. તેઓ સાથે મળીને કામ કરે અને લોકો સમક્ષ આર્થિક વાસ્તવિકતાઓ રજૂ કરે તો આ અંતરિમ બજેટ મોદી સરકારનું અંતિમ બજેટ બની રહેશે.'


Google NewsGoogle News