PM મોદીને પોતાની વિરુદ્ધ ચૂંટણી લડવા થરૂરનો પડકાર, કહ્યું ‘જો તેઓ મારી સામે ચૂંટણી લડશે તો...’
હું તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચોથીવાર ચૂંટણી લડવા તૈયાર : શરૂ થરૂર
તિરુવનંતપુરમ, તા.27 નવેમ્બર-2023, બુધવાર
કોંગ્રેસ (Congress) નેતા શશી થરૂરે (Shashi Tharoor)એ લોકસભાની ચૂંટણી લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ‘હું ચોથીવાર તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છું અને હું કોઈ પણ સંજોગોમાં આ ચૂંટણી જીતી જઈશ. જોકે, આ મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે છે.’
‘PM સામે હું જ જીતીશ’
મીડિયા રિપોર્ટ મુજબ થરૂરે કહ્યું કે, જો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ ચૂંટણી લડીશ તો હું જ જીતીશ. થરૂરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આગામી યોજના અંગે કહ્યું કે, ‘હું મારી જ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છું પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય પક્ષ કરશે.’
‘મારી ઈચ્છા વિદેશમંત્રી બનવાની હતી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમ (Thiruvananthapuram) બેઠક પરથી ચૂંટણી લડવાના હોવાની અટકળો મુદ્દે તેમણે કહ્યું કે, ‘જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી વિરુદ્ધ ચૂંટણી લડશે તો હું જ જીતીશ. હું પ્રથમવાર ચૂંટણી લડ્યો હતો, ત્યારે મારી ઈચ્છા વિદેશમંત્રી બનવાની હતી, પરંતુ તેવું ન થયું.’ થરૂરને એવો સવાલ કરાયો કે ‘શું તમે કેરળ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છો છો?’ આ અંગે તેમણે કહ્યું કે, ‘અત્યારે તો હું લોકસભા ચૂંટણી પર ધ્યાન આપી રહ્યો છું.’
થરૂર 2009ની લોકસભા ચૂંટણી લડવા ભારત આવ્યા હતા
સંયુક્ત રાષ્ટ્રનાં પૂર્વ નાયબ મહા મંત્રી શશી થરૂર 2009માં પ્રથમ લોકસભા ચૂંટણી લડ્યા હતા. થરૂર ચૂંટણી લડવા પ્રથમવાર ભારત આવ્યા હતા અને ટિકિટ મેળવવા કોંગ્રેસના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમને તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી હતી.