PM મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ઘમસાણ! શશી થરૂરે કહ્યું- સારા કામમાં વખાણ કરવા જ જોઈએ
Shashi Tharoor : કોંગ્રેસના સિનિયેર નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે 15 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અને કેરળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારની પ્રશંસા પર થઈ રહેલી ટીકાનો જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યુ કે, તેઓ હંમેશા સરકારના સારા કામના વખાણ કરે છે, પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીની. આ સાથે એટલું જ મહત્ત્વનું છે કે ખોટા નિર્ણયોની ટીકા કરવી.
'લોકશાહીમાં સંતુલન જાળવી રાખવું ખૂબ આવશ્યક'
થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી રાજનીતિમાં છું. જ્યારે કોઈ સરકાર સારુ કામ કરે છે, ત્યારે તેના વખાણ કરવા જોઈએ અને જો કોઈ ખોટું કરે છે તો તેની ટીકા પણ કરવી જરૂરી છે. જો હું હંમેશા વખાણ કરીશ તો લોકો તેને ગંભીરતાથી લેશે નહીં. જ્યારે હું ફક્ત ટીકા કરીશે તો મારી વિશ્વસનીયતા પર ખત્મ થઈ જશે. લોકશાહીમાં સંતુલન જાળવી રાખવું ખૂબ આવશ્યક છે.'
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતને લઈને થરૂરે શું કહ્યું?
શશિ થરૂરે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, 'આ મુલાકાતમાં ભારતીયોના પક્ષમાં અનેક પોઝિટિવ નિર્ણય લેવાયા, પરંતુ હજુ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વણઉકેલાયેલા છે. ગેરકાયદેસર પ્રવાસીઓને ભારત પરત મોકલવા મુદ્દે ચર્ચા કેમ ન થઈ? શું વડાપ્રધાન મોદીએ આ મામલે બંધ બારણે વાત કરી? ભારત અને અમરિકા વચ્ચે આગામી 9 મહિનામાં બિઝનેસ અને ટેરિફને લઈને નિર્ણય લેવાયો છે તે એક મહત્ત્વની વાત છે.'
શશિ થરૂરે કહ્યું કે, 'મને ખુશી છે કે ભારતને સારા પરિણામ મળ્યા અને તેઓ ભારતીય નાગરિક હોવાને લઈને આ ઉપલબ્ધિના વખાણ કરે છે. હંમેશા પાર્ટીના હિતોને ધ્યાનમાં રાખીને વિચારવું ન જોઈએ, આમ જ્યારે કાઈ સારુ થાય છે તો તેના વખાણ કરવા જરૂરી છે.' શશિ થરૂરે કેરળમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે LDF સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમણે આ ક્ષેત્રમાં સરકારની નીતિઓની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો. જો કે, કેરળ કોંગ્રેસના નેતાઓને આ ગમ્યું નહીં.
કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના નેતાઓ આ મામલે વાંધો વ્યક્ત કર્યો અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) હાઈકમાન્ડને એક પત્ર મોકલ્યો હતો. જેમાં શશિ થરૂરના આવા વલણને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સિનિયર નેતા વીડી સતિશને તો થરૂર દ્વારા આપવામાં આવેલા આંકડાઓની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા કર્યા હતા.